KKR vs SRH: 23 માર્ચે કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં મેચ રમાઈ હતી. આ પહેલા જ જાહેરાત કરવામાં આવી હતી કે KKRના સહ-માલિક શાહરૂખ ખાન પણ મેચ જોવા માટે મેદાનમાં હાજર રહેશે. કિંગ ખાનની હાજરીમાં તેની ટીમ શરૂઆતમાં સંઘર્ષ કરી રહી હતી કારણ કે 51 રનના સ્કોર સુધી ટીમે 4 વિકેટ ગુમાવી દીધી હતી. ટીમ માટે પ્રથમ 10 ઓવર ખૂબ જ ખરાબ રહી હતી, જ્યારે છેલ્લી 10 ઓવરમાં આન્દ્રે રસેલની શાનદાર ઈનિંગે કોલકાતા નાઈટ રાઈડર્સને 208 રનના સ્કોર સુધી પહોંચાડી દીધું હતું.


 






શાહરૂખ ખાન સામે આન્દ્રે રસેલ  ચમક્યો
જ્યારે ટીમનો સ્કોર 14મી ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 119 રન હતો ત્યારે આન્દ્રે રસેલ બેટિંગ કરવા આવ્યો હતો. ઇનિંગમાં 6 ઓવર બાકી હતી અને આ સમય સુધીમાં ટીમ માટે 200 રનના સ્કોર સુધી પહોંચવું અશક્ય લાગતું હતું. આન્દ્રે રસેલ આઠમા નંબર પર બેટિંગ કરવા આવ્યો અને તેણે આવતાની સાથે જ મેદાનમાં સિક્સર મારવાનું શરૂ કરી દીધું. રસેલ જ્યારે સિક્સરનો વરસાદ કરી રહ્યો હતો ત્યારે કિંગ ખાનને પણ સ્ક્રીન પર દેખાડવામાં આવ્યો હતો, જેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.


 




રસેલે એટલી શાનદાર ઇનિંગ રમી કે તેણે માત્ર 20 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. આન્દ્રે રસેલ આઈપીએલમાં 19 બોલમાં ફિફ્ટી ફટકારી ચૂક્યો છે. રસેલે માત્ર 25 બોલમાં 64 રનની તોફાની ઇનિંગ રમી જેમાં 3 ચોગ્ગા અને 7 ગગનચુંબી છગ્ગા સામેલ હતા. આ તેની IPL કારકિર્દીની 11મી અડધી સદીની ઇનિંગ હતી. આ સાથે આન્દ્રે રસેલે ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં 200 સિક્સરનો આંકડો પણ પાર કરી લીધો છે. તેણે આ રેકોર્ડ માત્ર 97 ઇનિંગ્સમાં જ હાંસલ કર્યો છે. સૌથી વધુ સિક્સર મારવાનો રેકોર્ડ ક્રિસ ગેલના નામે છે, જેણે IPLમાં 357 સિક્સર ફટકારી હતી.


KKRએ SRHને 209 રનનો ટાર્ગેટ આપ્યો હતો
કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી ફિલિપ સોલ્ટ અને સુનીલ નારાયણે ઇનિંગની શરૂઆત કરી હતી. સોલ્ટે ઇનિંગની મજબૂત શરૂઆત કરી હતી, પરંતુ સુનીલ નારાયણ માત્ર 2 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. એક છેડે સોલ્ટ રની રહ્યો હતો, પરંતુ નારાયણ આઉટ થતાંની સાથે જ KKR એ 28 રનની અંદર 3 વિકેટ ગુમાવી દીધી. ટીમનો સ્કોર 4 વિકેટે 51 રન હતો, પરંતુ ત્યાર બાદ રમનદીપ સિંહે 17 બોલમાં 35 રન બનાવીને કોલકાતાની ઇનિંગને સંભાળી લીધી હતી. એક સમયે ટીમનો રન રેટ 7થી નીચે હતો, પરંતુ આન્દ્રે રસેલ અને રિંકુ સિંહની તોફાની ઈનિંગ્સે હૈદરાબાદના બોલરોને ધોઈ નાખ્યા હતા.