નવી દિલ્હીઃ ચાલુ વર્ષે ઓસ્ટ્રેલિયામાં ઓક્ટોબર-નવેમ્બરમાં રમાનારો ટી-20 વર્લ્ડકપ 2022 સુધી ટાળવામાં આવી શકે છે. જોકે હજુ સુધી તેની કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. પરંતુ ICC સૂત્રોના જણાવ્યા મુજબ કોરોના સંક્ટને જોતા વીડિયો કોન્ફરન્સ દ્વારા આવતીકાલે થનારી બેઠકમાં આ ફેંસલા પર મહોર મારવામાં આવી શકે છે.

ICC બોર્ડના એક અધિકારીએ નામ ન છાપવાની શરતે પીટીઆઈને જણાવ્યું કે, ગુરુવારે થનારી બેઠક દરમિયાન ટી-20 વિશ્વકપને સ્થગિત કરવાનો ફેંસલો લેવામાં આવે તેવી પૂરી સંભાવના છે. પરંતુ તેની ઔપચારિક જાહેરાત કરવામાં આવશે કે નહીં તે સવાલ છે. વર્તમાન પરિસ્થિતિને જોતાં ટી-20 વર્લ્ડકપને આયોજનની નહીંવત સંભાવના છે. મને નથી લાગતું કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા કે અન્ય ક્રિકેટ બોર્ડને આનાથી પરેશાની હોય.


આ નિવેદન બાદ આઈસીસી પ્રવક્તા તરફથી એક નિવેદન જાહેર કરવામાં આવ્યું. જેમાં કહેવામાં આવ્યું છે કે, આઈસીસીએ ટી-20 વર્લ્ડકપ સ્થગિત કરવાનો નિર્ણય લીધો નથી. પ્લાનિંગ પ્રમાણે ચાલુ વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનારી ટુર્નામેન્ટના આયોજનની તૈયારી થઈ રહી છે. આ વિષય કાલે આઈસીસી બોર્ડની બેઠકના એજન્ડામાં છે અને તેના પર યોગ્ય સમયે નિર્ણય લેવામાં આવશે.

રિપોર્ટ્સ પ્રમાણે ઓસ્ટ્રેલિયામાં ચાલુ વર્ષે રમાનારા ટી-20 વિશ્વકપને 2022 સુધી સ્થગિત કરવા અને ઓક્ટોબરમાં ઈન્ડિયન પ્રીમિયર લીગના આયોજનને ઔપચારિક રૂપ આપવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.