લગભગ ચાર વર્ષ બાદ પોતાની પ્રથમ ટેસ્ટ મેચ રમી રહેલા ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર મિશેલ માર્શે ગુરુવારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ એશિઝ શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચના પહેલા દિવસે પોતાની ટીમ માટે શાનદાર વાપસી કરી હતી. એક તબક્કે ઓસ્ટ્રેલિયાની હાલત ખૂબ જ ખરાબ હતી અને તેણે 85 રનમાં પોતાની ચાર વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ અહીં માર્શે સદી ફટકારીને ટીમની વાપસી કરાવી હતી. તેની ઈનિંગના કારણે કાંગારૂ ટીમે પ્રથમ દાવમાં 263 રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમે પ્રથમ દિવસની રમત પૂરી થવા સુધી ત્રણ વિકેટે 68 રન બનાવી લીધા છે. તે હજુ પણ 195 રન પાછળ છે. જો રૂટ 19 અને જોની બેયરસ્ટો એક રન સાથે અણનમ છે. જેક ક્રોઉલી 33, હેરી બ્રુક ત્રણ અને બેન ડકેટ બે રન બનાવીને આઉટ થયા હતા. પેટ કમિન્સે બે વિકેટ ઝડપી હતી. આ સાથે જ મિશેલ માર્શને એક સફળતા મળી હતી.






મિશેલ માર્શ સપ્ટેમ્બર 2019 પછી તેની પ્રથમ ટેસ્ટ રમી રહ્યો છે. જમણા હાથના બેટ્સમેન માર્શે 67 મહિના બાદ ટેસ્ટ સદી ફટકારી હતી. તેણે તેની છેલ્લી ટેસ્ટ સદી જાન્યુઆરી 2018માં ઈંગ્લેન્ડ સામે ફટકારી હતી. માર્શે 118 બોલમાં 118 રન બનાવ્યા હતા. તેણે 17 ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. ટ્રેવિસ હેડે 39, સ્ટીવ સ્મિથે 22, માર્નસ લાબુશેને 21, ઉસ્માન ખ્વાજા અને ટોડ મર્ફીએ 13-13 રન બનાવ્યા હતા.


બંન્ને ટીમમાં ત્રણ-ત્રણ ફેરફાર


ઓસ્ટ્રેલિયા એશિઝ શ્રેણીમાં 2-0થી આગળ છે, જ્યારે ઈંગ્લેન્ડ સીરિઝ બચાવવા માટે રમી રહ્યું છે. આ મેચ માટે બંને ટીમોએ પ્લેઈંગ ઈલેવનમાં ત્રણ-ત્રણ ફેરફાર કર્યા છે. ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેણે પોપ, એન્ડરસન અને ટંકને પડતા મુક્યા હતા જ્યારે મોઈન અલી , વોક્સ અને વુડનો પ્લેઇંગ ઇલેવનમાં સમાવેશ કર્યો હતો. બીજી તરફ ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે નાથન લિયોન, ગ્રીન અને હેઝલવુડના સ્થાને ટોડ મર્ફી, મિશેલ માર્શ અને બોલેન્ડનો ટીમમાં સમાવેશ કર્યો હતો.


ઓસ્ટ્રેલિયા મજબૂત સ્થિતિમાં


ઈંગ્લેન્ડના ઝડપી બોલરોએ લંચ સુધી 85 રનમાં ચાર વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાને બેકફૂટ પર મોકલી દીધું હતું. બ્રોડે પ્રથમ દિવસના પાંચમા બોલ પર ઓપનર ડેવિડ વોર્નર (04)ને ક્રોઉલીના હાથે કેચ કરાવીને ટીમને પહેલો ઝટકો આપ્યો હતો. ફાસ્ટ બોલર માર્ક વુડ 145 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી રહ્યો હતો અને ઉસ્માન ખ્વાજા માટે તેને રમવો મુશ્કેલ હતો. વુડને આનો ફાયદો ખ્વાજાની વિકેટના રૂપમાં મળ્યો. વુડે ખ્વાજા (13)ને બોલ્ડ કરીને ટીમને બીજી સફળતા અપાવી હતી. ફાસ્ટ બોલર વોક્સે લાબુશેને (21)ને રૂટના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.


બ્રોડે પોતાની 100મી ટેસ્ટ મેચ રમી રહેલા સ્ટીવ સ્મિથને આઉટ કર્યો હતો. જોકે સ્મિથે રિવ્યુ લીધો હતો, પરંતુ તેને આઉટ આપવામાં આવ્યો હતો. આઉટ થયા બાદ જ્યારે તે પેવેલિયન પરત ફર્યો ત્યારે દર્શકોએ તેનું હૂટિંગ કર્યું હતું. આ પછી ટ્રેવિસ હેડ અને મિશેલ માર્શે ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સને સંભાળી હતી.


માર્શની ત્રીજી ટેસ્ટ સદી


માર્શે કારકિર્દીની ત્રીજી ટેસ્ટ સદી ફટકારી હતી. આ સિવાય ઈંગ્લેન્ડ સામે આ તેની ત્રીજી ટેસ્ટ સદી છે. તેણે પહેલા અલીના બોલ પર સિક્સર ફટકારી અને પછી સિંગલ લઈને પોતાની સદી પૂરી કરી હતી. તેણે 102 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી.