Ben Stokes Stats : ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે લીડ્સમાં ત્રીજી ટેસ્ટ રમાઈ રહી છે. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાએ 263 રન બનાવ્યા હતા. જેના જવાબમાં યજમાન ઈંગ્લેન્ડની ટીમ માત્ર 237 રનમાં સમેટાઈ ગઈ હતી. ઈંગ્લેન્ડ તરફથી કેપ્ટન બેન સ્ટોક્સે 108 બોલમાં 80 રનની શાનદાર ઈનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 6 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. જો કે ઈંગ્લેન્ડના કેપ્ટનને બીજા ડ્રોપથી બાકીના બેટ્સમેનોનો સાથ મળ્યો ન હતો. પરિણામે યજમાન ટીમ માત્ર 237 રનમાં સમેટાઈ ગઈ હતી, પરંતુ બેન સ્ટોક્સે એક મોટો આંકડો પાર કરી લીધો છે.






બેન સ્ટોક્સના ટેસ્ટના આંકડા શું કહે છે ?


ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટેસ્ટ ક્રિકેટમાં 6 હજાર રનનો આંકડો પાર કરી લીધો છે. જો આ ખેલાડીની કારકિર્દી પર નજર કરીએ તો બેન સ્ટોક્સે અત્યાર સુધી 95 ટેસ્ટ મેચમાં 6008 રન બનાવ્યા છે. ટેસ્ટ ફોર્મેટમાં બેન સ્ટોક્સની સરેરાશ 36.63 છે. જ્યારે સ્ટ્રાઈક રેટ 59.12 છે. આ સિવાય બેન સ્ટોક્સે ટેસ્ટ ફોર્મેટમાં 13 વખત સદીનો આંકડો પાર કર્યો છે. જ્યારે બેન સ્ટોક્સના નામે 29 અડધી સદી નોંધાયેલી છે. ટેસ્ટ ફોર્મેટમાં ઈંગ્લેન્ડના કેપ્ટનનો સર્વોચ્ચ સ્કોર 258 રન છે. ટેસ્ટ ફોર્મેટમાં બેન સ્ટોક્સની બેટિંગ ઉપરાંત બોલિંગ પણ જોવા મળી છે.


બોલિંગમાં પણ બેન સ્ટોક્સનો જલવો 



આંકડા દર્શાવે છે કે અત્યાર સુધી બેન સ્ટોક્સે 95 ટેસ્ટ મેચમાં 197 વિકેટ લીધી છે. આ દરમિયાન બેન સ્ટોક્સની ઈકોનોમી 3.31 છે જ્યારે સ્ટ્રાઈક રેટ 58.23 છે. ટેસ્ટ ફોર્મેટમાં બેન સ્ટોક્સે 4 વખત એક ઇનિંગમાં 5 વિકેટ લેવાનું કારનામું કર્યું છે. જ્યારે 8 ઇનિંગ્સમાં 4 વિકેટ ઝડપી છે.  આ ફોર્મેટમાં બેન સ્ટોક્સનો શ્રેષ્ઠ બોલિંગ આંકડો 22 રનમાં 6 વિકેટ છે. આ રીતે  આંકડા દર્શાવે છે કે ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે બેટિંગ સિવાય બોલિંગમાં પણ તાકાત બતાવી છે. આ પહેલા ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ મેચમાં બેન સ્ટોક્સે બીજી ઇનિંગમાં 155 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જો કે આ મેચમાં યજમાન ઈંગ્લેન્ડને હારનો સામનો કરવો પડ્યો હતો.