IND vs PAK: એશિયા કપ 27 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહ્યો છે. એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 28 ઓગસ્ટે મેચ રમાશે. ક્રિકેટના ચાહકો ઘણા સમયથી આ મેચની રાહ જોઈ રહ્યા છે. આ મેચ પહેલા બંને ટીમના ખેલાડીઓ જોરદાર પ્રેક્ટિસ કરી રહ્યા છે. પાકિસ્તાન સામેની આ મોટી મેચ પહેલાં ભારતીય કેપ્ટન રોહિત શર્માની પ્લેઈંગ ઈલેવન માટે મથામણ શરુ થઈ ગઈ છે.


આ ત્રણેય ખેલાડીઓની પસંદગી અંગે મથામણઃ


28 ઓગસ્ટે યોજાનારી પાકિસ્તાન સામેની મોટી મેચ માટે ભારતીય કેપ્ટન રોહિત શર્માની પ્લેઈંગ ઈલેવનને લઈને ચર્ચા શરૂ ગઈ છે. ભારતના ઓપનિંગ ટોપ-5 બેટ્સમેન તો રોહિતે નક્કી કરી લીધા છે જેમાં તે કેએલ રાહુલ સાથે ઓપનિંગ કરશે. બીજી તરફ વિરાટ કોહલી ત્રીજા નંબરે, સૂર્યકુમાર યાદવ ચોથા નંબરે અને ઋષભ પંત પાંચમા નંબરે બેટિંગ કરવા આવશે.


દિનેશ કાર્તિક કે દીપક હુડ્ડા?


રોહિત શર્માનું પહેલું મોટું ટેન્શન દિનેશ કાર્તિક અને દીપક હુડ્ડા સાથે છે. જ્યારે દિનેશ કાર્તિક ફિનિશર તરીકે રમી શકે છે, જ્યારે દીપક હુડ્ડા ઓલરાઉન્ડરની ભૂમિકા સાથે નંબર 6 પર બેટિંગ કરી શકે છે. પરંતુ ચિંતાની વાત એ છે કે આ મેચ માટે ભારતને પાંચ બોલરોની જરૂર છે. નહી તો, 4 બોલર અને રવિન્દ્ર જાડેજા કે હાર્દિક પંડ્યાને સ્થાન મળી શકે છે. પરંતુ સવાલ એ ઊભો થાય છે કે જો હુડ્ડા 6 નંબરે અને કાર્તિક 7મા નંબરે બેટિંગ કરશે તો હાર્દિક કે જાડેજા કયા નંબર પર બેટિંગ કરશે?


કોણ બનશે ભુવનેશ્વરનો સાથીઃ


ભારતીય ટીમના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ અને હર્ષલ પટેલ એશિયા કપમાંથી બહાર થયા બાદ ભારતીય ટીમ માટે સૌથી મોટો સવાલ એ છે કે, આ વખતે અનુભવી બોલર ભુવનેશ્વર કુમારને કોણ સાથ આપશે. એશિયા કપમાં પાકિસ્તાન સામે કેપ્ટન રોહિત શર્મા કોને તક આપશે તે જોવાનું રસપ્રદ રહેશે. ભુવનેશ્વર સાથે અવેશ ખાન કે અર્શદીપને લેવો તે અંગે રોહિતને મથામણ કરવી પડશે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, રોહિત અર્શદીપને ભુવનેશ્વરનો પાર્ટનર બનાવી શકે છે.


જાડેજાને ક્યાં મળશે સ્થાન?
આ સાથે જ ટીમની પ્લેઈંગ ઈલેવન માટે રવિન્દ્ર જાડેજાની પસંદગી અંગે ગુંચવણ ઉભી થઈ રહી છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે રવિન્દ્ર જાડેજા ભારતીય ટીમ માટે કઈ જગ્યાએ રમી શકે છે. ભારતના અનુભવી ખેલાડી દિનેશ કાર્તિક 7માં નંબર પર બેટિંગ કરતો હોય છે. બીજી તરફ જો જાડેજા ટીમમાં રહેશે તો તે ક્યાં નંબરે બેટિંગ કરવા આવશે તે જોવું રસપ્રદ રહેશે.