Arshdeep Singh Video Team India Asia Cup 2022: ભારતીય ટીમના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને પાકિસ્તાન સામેની મેચ બાદ સતત ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. આ પછી ભારતને એશિયા કપ 2022ની સુપર 4 મેચમાં શ્રીલંકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ બંને મેચમાં અર્શદીપ સિંહે ભારત માટે છેલ્લી ઓવર નાખી અને છેલ્લી ઓવર સુધી દબાણ ઉભુ કર્યું હતું. પરંતુ પાકિસ્તાન સામે કેચ છોડવા બદલ લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. આ હાર પછી ફરીથી અર્શદીપ સિંહ ટ્રોલર્સના નિશાને આવ્યો હતો. હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક શખ્સ અર્શદીપને અપશબ્દ કહેતો દેખાઈ રહ્યો છે. 


પત્રકારે શખ્સને ખખડાવ્યો...


સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં દેખાય છે કે, જ્યારે અર્શદીપ સિંહ હોટલથી ટીમ બસમાં જઈ રહ્યો હતો ત્યારે એક વ્યક્તિ તેને 'દેશદ્રોહી' કહી રહ્યો છે અને કેચ છોડવા બદલ ટીકા કરી રહ્યો છે. દરમિયાન અર્શદીપ સિંહ બસમાં ઉભો રહે છે અને થોડીવાર તે શખ્સને જોતો રહે છે અને પછી આગળ વધે છે. જો કે આ શખ્સના આવા શબ્દના ઉપયોગ બદલ ત્યાં હાજર સુરક્ષાકર્મીઓ એક્ટિવ થઇ જાય છે. આ દરમિયાન ટીમની બસ પાસે હાજર સ્પોર્ટ્સ પત્રકાર વિમલ કુમારે પણ 'દેશદ્રોહી' કહેનાર શખ્સને ખખડાવે છે. વિમલ કુમારે કહ્યું કે તે (અર્શદીપ) એક ભારતીય ખેલાડી છે અને તમે તેના માટે આવા શબ્દોનો ઉપયોગ કેમ કરો છો.




જે બાદ ત્યાં હાજર સુરક્ષાકર્મીઓએ તે વ્યક્તિને પકડીને ટીમ બસથી દૂર લઈ જાય છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન વિરૂદ્ધ સુપર-4 મેચમાં અર્શદીપ સિંહનો એક કેચ ચૂકી ગયો હતો. પાકિસ્તાનના આસિફ અલીનો કેચ છોડવો ટીમ ઈન્ડિયા માટે ભારે પડ્યો હતો. અંતે ટીમ ઈન્ડિયા આ મેચ હારી ગઈ. ઉલ્લેખનીય છે કે, ભારતને છેલ્લી ઓવરમાં શ્રીલંકા અને પાકિસ્તાન બંને સામે હારનો સામનો કરવો પડ્યો હતો. બંને મેચમાં અર્શદીપ સિંહે છેલ્લી ઓવર ફેંકી હતી.