એશિયા કપ-2022માં ટીમ ઈન્ડિયાની સફર લગભગ પૂરી થઈ ગઈ છે. સુપર-4 સ્ટેજમાં પાકિસ્તાન અને ત્યારબાદ શ્રીલંકા સામે હારથી ભારતીય ટીમ માટે ફાઇનલમાં પહોંચવાનો રસ્તો બંધ થઈ ગયો છે. આ બંને મેચમાં અર્શદીપ સિંહે ભારત માટે છેલ્લી ઓવર નાખી અને છેલ્લી ઓવર સુધી દબાણ ઉભુ કર્યું હતું. પરંતુ પાકિસ્તાન સામે કેચ છોડવા બદલ લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.
દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં અર્શદીપ સિંહ હોટલથી ટીમ બસમાં જઈ રહ્યો છે. ત્યારે એક વ્યક્તિ તેને 'દેશદ્રોહી' કહી રહ્યો છે અને કેચ છોડવા બદલ ટીકા કરી રહ્યો છે. દરમિયાન અર્શદીપ સિંહ બસમાં ઉભો રહે છે અને થોડીવાર તેમને જોતો રહે છે અને પછી આગળ વધે છે.
જો કે આ વ્યક્તિ આવા શબ્દનો ઉપયોગ કરે ત્યારે સુરક્ષાકર્મીઓ એક્ટિવ થઇ જાય છે ટીમ બસ પાસે હાજર સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ વિમલ કુમારે પણ તેને 'દેશદ્રોહી' કહેનાર વ્યક્તિને સમજાવવા લાગે છે. વિમલ કુમારે કહ્યું કે તે (અર્શદીપ) એક ભારતીય ખેલાડી છે અને તમે તેના માટે આવા શબ્દોનો ઉપયોગ કરો છો.
જે બાદ ત્યાં હાજર સુરક્ષાકર્મીઓએ તે વ્યક્તિને પકડીને ટીમ બસથી દૂર લઈ જાય છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન વિરૂદ્ધ સુપર-4 મેચમાં અર્શદીપ સિંહનો એક કેચ ચૂકી ગયો હતો. પાકિસ્તાનના આસિફ અલીનો કેચ છોડવો ટીમ ઈન્ડિયા માટે ભારે પડ્યો હતો. અંતે ટીમ ઈન્ડિયા આ મેચ હારી ગઈ.
આ મેચ બાદ સોશિયલ મીડિયા પર અર્શદીપને નિશાન બનાવવામાં આવ્યો હતો, જોકે ટીમ ઈન્ડિયાએ અર્શદીપ સિંહને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. પહેલા વિરાટ કોહલી બાદમાં રોહિત શર્માએ ખુલ્લેઆમ કહ્યું કે કેચ ડ્રોપ થવું એ રમતનો એક ભાગ છે. આવી સ્થિતિમાં તમે કોઈને નિશાન બનાવી શકતા નથી. ખેલાડીઓનું કામ તેમની ભૂલોમાંથી શીખવાનું, તેના પર કામ કરવાનું અને આગળ વધવાનું છે.
ઉલ્લેખનીય છે કે, ભારતને છેલ્લી ઓવરમાં શ્રીલંકા અને પાકિસ્તાન બંને સામે હારનો સામનો કરવો પડ્યો હતો. બંને મેચમાં અર્શદીપ સિંહે છેલ્લી ઓવર ફેંકી હતી.