Team India Asia Cup 2022 Boycott IPL: એશિયા કપ 2022માં સુપર 4 મેચમાં શ્રીલંકાએ ભારતને 6 વિકેટથી હરાવ્યું હતું. ભારતની હાર થતાં હવે સોશિયલ મીડિયા પર ક્રિકેટ ફેન્સ રોષ વ્યક્ત કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સે ભારતની હારનું ઠીકરું આઈપીએલ પર ફોડ્યું છે. સોશિયલ મીડિયા પર લોકોએ પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, આઈપીએલના કારણે ટીમ ઈન્ડિયાના ખેલાડી ટૂર્નામેન્ટમાં સારું પ્રદર્શન નથી કરી શકતા. ભારતે પહેલાં બેટિંગ કરતાં 174 રનનો ટાર્ગેટ આપ્યો હતો જે શ્રીલંકાએ 4 વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો.


ટીમ ઈન્ડિયાએ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 173 રન બનાવ્યા હતા. કેપ્ટન રોહિત શર્માએ 72 રનની શાનદાર ઈનિંગ રમી હતી. તેણે 41 બોલમાં 5 ચોગ્ગા અને 4 સિક્સર ફટકારી હતી. જ્યારે સુર્યકુમાર યાદવે 34 રનની ઈનિંગ રમી હતી. જો કે, ભારતના મિડલ ઓર્ડર બેટ્સમેન વધારે રન નહોતા બનાવી શક્યા. બીજી તરફ બોલિંગમાં પણ ભારતીય ટીમ કંઈ ખાસ પ્રદર્શન કરી શકી નહોતી અને શ્રીલંકાની 4 વિકેટ ઝડપી હતી. જેમાં યુઝવેન્દ્ર ચહલે 3 વિકેટ અને આર. અશ્વિને 1 વિકેટ ઝડપી હતી. બાકીના બોલરને વિકેટ લેવામાં સફળતા મળી નહોતી. આમ ભારતનું પ્રદર્શન બેટિંગ અને બોલિંગના મોરચે કંઈ ખાસ રહ્યું નહોતું.