Asia Cup 2022: એશિયા કપ 2022ના સુપર-ફોર તબક્કામાં ભારતીય ટીમને સતત બીજી હારનો સામનો કરવો પડ્યો છે. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મંગળવારે રમાયેલી મેચમાં શ્રીલંકાએ ભારતને છ વિકેટે હરાવ્યું હતું. ભારતે શ્રીલંકાને 174 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે તેણે એક બોલ બાકી રહેતાં હાંસલ કરી લીધો હતો.


આ હાર સાથે ટીમ ઈન્ડિયા એશિયા કપમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. આ પહેલા પાકિસ્તાને ભારતને 5 વિકેટે હરાવ્યું હતું. હાર બાદ હવે તે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. દુબઈમાં મંગળવારે રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 174 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં શ્રીલંકાએ 4 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી.


પાકિસ્તાન અને હવે શ્રીલંકા સામેની હાર બાદ ટીમ ઈન્ડિયા માટે એશિયા કપની ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ બની ગયું છે. હવે ટીમ ઈન્ડિયાએ આ ટૂર્નામેન્ટમાં ટકી રહેવા માટે સંપૂર્ણપણે અન્ય ટીમો પર નિર્ભર રહેવું પડશે. ખાસ કરીને પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ પર બધું નિર્ભર રહેશે. આજે (7 સપ્ટેમ્બર) પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ છે. જો પાકિસ્તાન અહીં જીતશે તો ભારત ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે અને પછી તેની છેલ્લી મેચ માત્ર ઔપચારિકતા બની રહેશે.


આવી સ્થિતિમાં ભારત પાસે ફાઇનલમાં પહોંચવાની આટલી જ તકો છે.



  • અફઘાનિસ્તાને પોતાની મેચમાં પાકિસ્તાનને હરાવે.

  • ત્યારબાદ ભારતીય ટીમે પોતાની છેલ્લી મેચમાં અફઘાનિસ્તાનને હરાવી દે.

  • બીજી તરફ શ્રીલંકાએ પણ પાકિસ્તાનને હરાવવું પડે.

  • ભારતનો નેટ રન રેટ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન કરતા સારો હોવો જોઈએ.


અફઘાનિસ્તાને ઈતિહાસ રચવો પડશે


ભારતીય ટીમની થોડી આશા પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ પર છે. અફઘાનિસ્તાન માટે પાકિસ્તાનને હરાવવું એ માઉન્ટ એવરેસ્ટ પર ચઢવા જેવું છે. અફઘાનિસ્તાને પાકિસ્તાન સામે બે ટી-20 અને ચાર વનડે રમી છે જેમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. એટલે કે, જો અફઘાનિસ્તાન પાકિસ્તાનને હરાવશે, તો તે ઇતિહાસ રચશે. આ સાથે ભારતીય ટીમની આશાઓ પણ અકબંધ રહેશે.


ભારતની નેટ રન પણ ઘણી ખરાબ છે


એશિયા કપ 2022ના સુપર-ફોર ટેબલમાં શ્રીલંકા બે મેચમાં ચાર પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. બીજી તરફ પાકિસ્તાનની ટીમ બે પોઈન્ટ સાથે બીજા નંબર પર છે. પાકિસ્તાન અને શ્રીલંકા બંનેનો નેટ રનરેટ + માં છે. ભારત અને અફઘાનિસ્તાન અનુક્રમે ત્રીજા અને ચોથા નંબર પર છે. ભારતના નેટ રન રેટની વાત કરીએ તો તે હાલમાં -0.125 છે.


પાકિસ્તાન જીતતાની સાથે જ ભારત બહાર થઈ જશે


જો આજે પાકિસ્તાનની ટીમ જીતશે તો અફઘાનિસ્તાન અને ભારત બંને એશિયા કપમાંથી બહાર થઈ જશે. આવી સ્થિતિમાં શ્રીલંકા અને પાકિસ્તાન 11 સપ્ટેમ્બરે યોજાનારી ફાઇનલમાં ટકરાશે. જો કે, શ્રીલંકા સામે ટીમ ઈન્ડિયાની હાર બાદ એક વાત તો નક્કી છે કે હવે 11 સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાનની ફાઈનલ નથી થઈ રહી.


ભારતની સતત બીજી હાર


નોંધનીય છે કે, ગઈકાલની મેચમાં ભારતે આપેલા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમે 19.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. શ્રીલંકા તરફથી પથુમ નિસાંકા અને કુસલ મેન્ડિસે શાનદાર શરૂઆત કરી હતી. આ બંને વચ્ચે મજબૂત ભાગીદારી બની હતી. નિસાન્કાએ 37 બોલમાં 52 રન બનાવ્યા હતા. તેણે 4 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. મેન્ડિસે 37 બોલમાં 57 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે. ચરિથ અસલંકા ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો હતો. અંતમાં ભાનુકા રાજપક્ષે અને દાસુન શંકાએ તોફાની ઇનિંગ્સ રમી હતી. રાજપક્ષેએ 17 બોલમાં 25 રન બનાવ્યા હતા. બીજી તરફ શંકાએ 18 બોલમાં અણનમ 33 રન બનાવ્યા હતા.


ભારત તરફથી યુઝવેન્દ્ર ચહલે 3 વિકેટ ઝડપી હતી. તેણે 4 ઓવરમાં 34 રન આપ્યા હતા. રવિચંદ્રન અશ્વિને 4 ઓવરમાં 32 રન આપીને એક વિકેટ લીધી હતી. હાર્દિક પંડ્યાએ 4 ઓવરમાં 35 રન આપ્યા હતા. ભુવનેશ્વર કુમારે 4 ઓવરમાં 30 રન આપ્યા હતા.


પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 173 રન બનાવ્યા હતા. આ દરમિયાન રોહિત શર્માએ 41 બોલમાં 72 રન બનાવ્યા હતા. રોહિતની ઇનિંગ્સમાં 5 ફોર અને 4 સિક્સ સામેલ હતી. સૂર્ય કુમાર યાદવે 29 બોલમાં 34 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યા અને ઋષભ પંતે 17-17 રન બનાવ્યા હતા. રવિચંદ્રન અશ્વિને અણનમ 15 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી ખાતું ખોલતાની સાથે જ આઉટ થઈ ગયો હતો.


શ્રીલંકા તરફથી દિલશાન મધુશંકાએ 4 ઓવરમાં 24 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. કરુણારત્ને અને કેપ્ટન શંકાને 2-2 વિકેટ મળી હતી. મહિષ તિક્ષાનાએ 3 વિકેટ લીધી હતી.