Pakistan vs Afghanistan Asia Cup 2022: એશિયા કપમાં સુપર-4માં પાકિસ્તાને રોમાંચક મેચમાં અફઘાનિસ્તાનને 1 વિકેટથી હરાવી એશિયા કપની ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. આ મેચમાં જીત સાથે પાકિસ્તાને એશિયા કપની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ફાસ્ટ બોલર નસીમ શાહે 20મી ઓવરના પહેલા અને બીજા બોલમાં સતત બે સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી હતી. પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને પાકિસ્તાનને 130 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં પાકિસ્તાને 19.2 ઓવરમાં એક વિકેટે લક્ષ્ય હાંસલ કરી લીધો હતો.
સુપર ફોરની મેચમાં અફઘાનિસ્તાન સામે પાકિસ્તાનની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટીમની પહેલી વિકેટ કેપ્ટન બાબર આઝમની પડી હતી. બાબર આઝમ ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો. આ પછી ફખર ઝમાન 5 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ઓપનર મોહમ્મદ રિઝવાને 20 રનનું યોગદાન આપ્યું હતું. ઈફ્તિખાર અહેમદ 33 બોલમાં 30 રન બનાવીને આઉટ થયો હતો.
શાદાબ ખાને ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું. તેણે વિકેટ લેવાની સાથે 36 રન બનાવ્યા હતા. મોહમ્મદ નવાઝ 5 બોલમાં 4 રન બનાવીને આઉટ થયો હતો. અફઘાનિસ્તાન તરફથી રાશિદ ખાને શાનદાર બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં 25 રન આપીને 2 વિકેટ લીધી હતી. મુજીબ ઉર રહેમાને 4 ઓવરમાં માત્ર 12 રન આપ્યા હતા. જોકે તેને એક પણ વિકેટ મળી ન હતી. કેપ્ટન મોહમ્મદ નબીએ 3 ઓવરમાં 22 રન આપ્યા હતા.
આ અગાઉ પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 129 રન બનાવ્યા હતા. આ દરમિયાન ઈબ્રાહિમ ઝદરાને 37 બોલમાં 35 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 2 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. ઓપનર હઝરતુલ્લા ઝઝઈએ 17 બોલમાં 21 રન ફટકાર્યા હતા. રહેમાનુલ્લા ગુરબાઝે 11 બોલમાં 17 રન ફટકાર્યા હતા. તેણે બે સિક્સર ફટકારી હતી. રાશિદ ખાનને અંતમાં 15 બોલમાં 18 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેણે 2 ફોર અને 1 સિક્સ ફટકારી હતી.
પાકિસ્તાન તરફથી હારિસ રઉફે 4 ઓવરમાં 26 રન આપીને 2 વિકેટ લીધી હતી. નસીમ શાહે 4 ઓવરમાં 19 રન આપીને એક વિકેટ લીધી હતી. નવાઝ, શાદાબ અને હસનૈને એક-એક વિકેટ લીધી હતી.