Asia Cup:  એશિયા કપ 2022 પહેલા પાકિસ્તાનની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. પાકિસ્તાનને આ ફટકો ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીના રૂપમાં લાગ્યો છે, જે UAEમાં યોજાનાર એશિયા કપ 2022માંથી બહાર થઈ ગયો છે. પાકિસ્તાનની ટીમ માટે આ એક મોટો આંચકો છે, પરંતુ ટીમ ઈન્ડિયા માટે રાહતનો સમાચાર છે. કારણ કે શાહીન આફ્રિદીએ ગયા વર્ષે દુબઈના મેદાનમાં ટી20 વર્લ્ડ કપમાં ભારતીય ખેલાડીઓને પરેશાન કર્યા હતા.


આ અંગે માહિતી આપતાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કહ્યું કે નવા સ્કેન રિપોર્ટ બાદ શાહીન શાહ આફ્રિદીને PCB મેડિકલ એડવાઈઝરી કમિટી અને સ્વતંત્ર નિષ્ણાતોએ 4-6 અઠવાડિયા સુધી આરામ કરવાની સલાહ આપી છે. હાલ શાહીનને ACC T20 એશિયા કપ અને ઇંગ્લેન્ડ સામેની ઘરેલું શ્રેણીમાંથી બહાર કરવામાં આવ્યો છે, પરંતુ તે ઓક્ટોબરમાં ન્યુઝીલેન્ડ T20I ત્રિકોણીય શ્રેણી સાથે સ્પર્ધાત્મક ક્રિકેટમાં પરત ફરી શકે છે.


શ્રીલંકા સામે ટેસ્ટમાં થયો હતો ઘાયલ


સારી વાત એ છે કે મેડિકલ ટીમને આશા છે કે તેઓ ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2022માં રમી શકે છે. શાહીન આફ્રિદીને ગાલેમાં શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે તેના જમણા ઘૂંટણના લિગામેન્ટમાં ઈજા થઈ હતી. તે આ ઈજામાંથી સાજો થઈ રહ્યો છે, પરંતુ આ ઈજામાંથી સંપૂર્ણ સ્વસ્થ થવામાં સમય લાગશે અને તેના કારણે તે દોઢ મહિના સુધી ક્રિકેટની દુનિયાથી દૂર રહેશે.


ગત વર્લ્ડકપમાં ભારતને પડ્યો હતો ભારે


ડાબોડી ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી ટીમ ઈન્ડિયાના ટોપ ઓર્ડર માટે મોટો ખતરો હતો, કારણ કે જો ડાબા હાથના ફાસ્ટ બોલરોને શરૂઆતમાં પીચમાંથી થોડી મદદ મળે છે, તો તેની અસર ભારતના ટોપ ઓર્ડર બેટર્સ પર પડે છે. ગયા વખતે પણ આવું જ થયું હતું, જ્યારે રોહિત શર્મા ખાતું ખોલાવ્યા વિના અને કેએલ રાહુલે શાહીન આફ્રિદીની પ્રથમ બે ઓવરમાં 3 રન ફટકાર્યા હતા. બાદમાં તેણે વિરાટને પણ પેવેલિયન ભેગો કર્યો હતો.




કઈ ટીમની ક્યારે થશે ટક્કર



  • 27 ઓગસ્ટઃ શ્રીલંકા વિ અફઘાનિસ્તાન ગ્રુપ બી

  • 28 ઓગસ્ટઃ ભારત વિ પાકિસ્તાન ગ્રુપ એ

  • 30 ઓગસ્ટઃ બાંગ્લાદેશ વિ અફઘાનિસ્તાન ગ્રુપ બી

  • 31 ઓગસ્ટઃ ભારત વિ ક્વોલિફાયર ગ્રુપ એ

  • 1 સપ્ટેમ્બરઃ શ્રીલંકા વિ બાંગ્લાદેશ ગ્રુપ બી

  • 2 સપ્ટેમ્બરઃ પાકિસ્તાન વિ ક્વોલિફાયર ગ્રુપ એ

  • 3 સપ્ટેમ્બરઃ બી1 વિ બી 2, સુપર ફોર

  • 4 સપ્ટેમ્બરઃ એ1 વિ એ 2, સુપર ફોર

  • 6 સપ્ટેમ્બરઃ એ1 વિ બી1, સુપર ફોર

  • 7 સપ્ટેમ્બરઃ એ2 વિ બી2, સુપર ફોર

  • 8 સપ્ટેમ્બરઃ એ1 વિ બી2, સુપર ફોર

  • 9 સપ્ટેમ્બરઃ બી1 વિ એ2, સુપર ફોર

  • 11 સપ્ટેમ્બરઃ ફાઈનલ સુપર ફોરમાં પ્રથમ અને બીજા નંબરે રહેલી ટીમો


ભારતીય ટીમ ચેમ્પિયનઃ
એશિયા કપની શરૂઆત 1984માં થઈ હતી અને અત્યાર સુધીમાં આ ટૂર્નામેન્ટ 14 વખત આયોજિત કરવામાં આવી છે. ભારતીય ટીમ આ સ્પર્ધાની સૌથી સફળ ટીમ છે અને 7 વખત ટાઈટલ જીત્યું છે. જ્યારે શ્રીલંકાએ એશિયા કપની ટ્રોફી 5 વખત અને પાકિસ્તાને 2 વખત જીતી છે, શ્રીલંકાએ આ ટુર્નામેન્ટની તમામ 14 આવૃત્તિઓમાં ભાગ લીધો છે, જ્યારે ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશની ટીમોએ આ ટુર્નામેન્ટમાં 13 વખત ભાગ લીધો છે. ટીમ ઈન્ડિયા હાલ એશિયા કપની ચેમ્પિયન છે.