IND vs PAK Asia Cup 2023 : એશિયા કપ 2023 સપ્ટેમ્બર મહિનામાં પાકિસ્તાનની યજમાનીમાં રમાવાનો છે. પરંતુ ગયા વર્ષે BCCI સેક્રેટરી જય શાહે સ્પષ્ટ કર્યું હતું કે, ટીમ ઈન્ડિયા કોઈ પણ સંજોગોમાં પાકિસ્તાન નહીં જાય. ત્યાર બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હાઇબ્રિડ મોડલનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ ભારતીય ક્રિકેટ બોર્ડે પણ આ પ્રસ્તાવને ફગાવી દીધો હતો. ભારતીય ક્રિકેટ બોર્ડના આ નિર્ણયને બાંગ્લાદેશ અને શ્રીલંકાએ પણ ટેકો આપ્યો હતો. પરંતુ હવે આ ટૂર્નામેન્ટને લઈને એક મોટો વળાંક આવ્યો છે.
એશિયા કપ 2023માં નહીં રમે ટીમ ઈન્ડિયા?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બાંગ્લાદેશ અને શ્રીલંકાએ એશિયા કપ 2023 માટે હાઇબ્રિડ મોડલને સમર્થન આપ્યું છે. જેમાં ટીમ ઈન્ડિયાની મેચ અન્ય કોઈ જગ્યાએ યોજવી જોઈએ અને યજમાની પાકિસ્તાન પાસે જ રહેવી જોઈએ તેમ ઠરાવવામાં આવ્યું છે. જ્યારે અહેવાલમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, BCCI સચિવ જય શાહે એશિયા કપની યજમાની માટે PCBના હાઇબ્રિડ મોડલ પર ચર્ચા કરવા માટે ACC બોર્ડના સભ્યો સાથે સત્તાવાર બેઠક બોલાવી છે. જો આ ટૂર્નામેન્ટ હાઈબ્રિડ મોડલ સાથે રમાશે તો ટીમ ઈન્ડિયા પણ આ ટૂર્નામેન્ટનો બહિષ્કાર કરી શકે છે.
પાકિસ્તાનનું હાઇબ્રિડ મોડલ શું છે?
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ એશિયા કપ 2023 માટે હાઇબ્રિડ મોડલમાં બે વિકલ્પો રજૂ કર્યા છે. હાઇબ્રિડ મોડલના પહેલા વિકલ્પમાં પાકિસ્તાન તમામ રમતોનું આયોજન કરશે જ્યારે ભારત તેની મેચો તટસ્થ સ્થળોએ રમશે. જ્યારે બીજો વિકલ્પ એ છે કે, ટુર્નામેન્ટને બે તબક્કામાં વહેંચવામાં આવી છે જેમાં પાકિસ્તાન પ્રથમ રાઉન્ડની મેચોનું આયોજન કરી રહ્યું છે જ્યારે ભારત બીજા તબક્કામાં તેની તમામ મેચો તટસ્થ સ્થળોએ રમે. ફાઇનલ પણ તટસ્થ સ્થળે યોજાશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બાંગ્લાદેશ અને શ્રીલંકા ક્રિકેટ બોર્ડ બીજા વિકલ્પ પર સહમત થયા છે.
BCCI ટૂંક સમયમાં લઈ શકે છે મોટો નિર્ણય
BCCIના એક વરિષ્ઠ અધિકારીએ InsideSportને કહ્યું હતું કે, મેં પ્રસ્તાવ જોયો નથી. પરંતુ અમારા સ્ટેન્ડમાં કોઈ જ ફેરફાર થયો નથી. અમે ઈચ્છીએ છીએ કે, ટૂર્નામેન્ટ યુએઈમાં નહીં પણ તટસ્થ સ્થળે રમાય. ત્યાં જે પ્રકારની ગરમી છે તેવામાં ખેલાડીઓ ઈજાગ્રસ્ત થાય તેનું જોખમ અમે ઉઠાવવા તૈયાર નથી. ટૂર્નામેન્ટ માટે શ્રીલંકા સૌથી યોગ્ય છે. અત્યાર સુધી, અમે તેનો બહિષ્કાર કરવા વિશે કોઈ ચર્ચા કરી નથી. અમે પહેલા પરિસ્થિતિ સમજીશું અને પછી આ બાબતે કોઈ નિર્ણય લઈશું.