IND Vs SL Final, Match Highlights: એશિયા કપ 2023ની ફાઇનલમાં ભારતે શ્રીલંકાને 10 વિકેટે હરાવીને ટાઇટલ જીત્યું છે. ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 50 રનના સ્કોર પર ઓલઆઉટ કરી દીધું હતું. જેના જવાબમાં માત્ર 6.1 ઓવરમાં કોઈ પણ નુકશાન વિના લક્ષ્યાંક હાંસલ કરી લેવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયાની જીતનો હીરો મોહમ્મદ સિરાજ રહ્યો હતો. તેણે 6 વિકેટ ઝડપી હતી. જ્યારે શુભમન ગિલ અને ઈશાન કિશને બેટિંગની ભૂમિકા ભજવી હતી. ગીલે અણનમ 27 અને ઈશાને અણનમ 23 રન બનાવ્યા હતા.


 






શ્રીલંકાના 9 બેટ્સમેન ડબલ ફિગર સુધી પહોંચી શક્યા નહીં


ભારતીય ઝડપી બોલરોની ઘાતક બોલિંગ સામે શ્રીલંકાના 9 ખેલાડીઓ ડબલ ફિગર સુધી પહોંચી શક્યા ન હતા. માત્ર કુસલ મેન્ડિસ (17) અને દુષન હેમંથા (13) જ ડબલ ફિગરને સ્પર્શી શક્યા હતા. જ્યારે પથુમ નિસાંકા 02, કુસલ પરેરા 00, સદિરા સમરવિક્રમા 00, ચારિથ અસલંકા 00, ધનંજય ડી સિલ્વા 04, દાસુન શનાકા 00, દુનિથ વેલાલાગે 08 અને પ્રમોદ મધુશન 1 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા.


 






ઝડપી બોલરોએ તમામ 10 વિકેટ ઝડપી હતી


ફાઈનલ મેચમાં સિરાજ સામે શ્રીલંકાના બેટ્સમેનો લાચાર દેખાતા હતા. રસપ્રદ વાત એ હતી કે શ્રીલંકાની તમામ 10 વિકેટ ભારતના ફાસ્ટ બોલરોએ લીધી હતી. એશિયા કપના ઈતિહાસમાં આવું બીજી વખત બન્યું છે, જ્યારે ફાસ્ટ બોલરોએ તમામ 10 વિકેટ ઝડપી હોય. ભારત તરફથી મોહમ્મદ સિરાજે 6, હાર્દિક પંડ્યાએ 3 અને જસપ્રિત બુમરાહે એક વિકેટ ઝડપી હતી.


મોહમ્મદ સિરાજે ODI ફોર્મેટમાં પોતાની 50 વિકેટ પૂરી કરવા માટે 1002 બોલની સફર કરી. આ કિસ્સામાં, શ્રીલંકાના ભૂતપૂર્વ સ્પિન બોલર અજંતા મેન્ડિસ, જે નંબર-1 સ્થાન પર હતો, તેણે 847 બોલમાં પોતાની 50 વનડે વિકેટ પૂરી કરી હતી. સિરાજે તેની 50મી વનડે વિકેટ ચરિથ અસલંકાના રૂપમાં મેળવી હતી.


એક ઓવરમાં 4 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર


શ્રીલંકા સામે એશિયા કપ 2023ની ફાઈનલ મેચમાં મોહમ્મદ સિરાજે બોલ વડે ઘણા રેકોર્ડ બનાવ્યા હતા. આ સાથે તે હવે પ્રથમ ભારતીય બોલર બની ગયો છે જેણે 1 ઓવરમાં 4 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી છે. આ મેચમાં સિરાજે 7 ઓવરમાં માત્ર 21 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. આ મેચમાં શ્રીલંકા માત્ર 50 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું.