ASIA CUP 2023: એશિયા કપ 2023ની સુપર 4 મેચમાં ભારતે શ્રીલંકાને 41 રને હરાવીને ટૂર્નામેન્ટની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ ભારત છે, પરંતુ બીજી ટીમ કોણ હશે ? આ એક મહત્વપૂર્ણ સવાલ છે. બાંગ્લાદેશ ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગયું છે. પાકિસ્તાન અને શ્રીલંકાની ટીમો હજુ પણ રેસમાં છે. શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે ગુરુવારે રમાનારી મેચ એક રીતે સેમિફાઇનલ મેચ છે. જે ટીમ આ જીતશે તે રવિવારે ફાઇનલમાં ભારત સામે ટકરાશે. હારેલી ટીમની સફર ત્યાં જ પુરી થઇ જશે.


સીધી ગણિત આવુ છે - 
પાકિસ્તાન અને શ્રીલંકાને બીજો કોઇ હિસાબ કરવાની જરૂર નથી, બસ મેચ જીતીને ફાઇનલમાં પહોંચો. જ્યારે તમે રનરેટ વગેરેને ધ્યાનમાં લો ત્યારે વસ્તુઓ જટિલ બનશે.


વરસાદ બનશે વિલન 
પાકિસ્તાન અને શ્રીલંકા બંને હવામાન પર નજર રાખશે. શ્રીલંકામાં એશિયા કપની મેચોમાં વરસાદને કારણે સતત વિક્ષેપ પડી રહ્યો છે. ગુરુવારે યોજાનારી મેચમાં રિઝર્વ ડે પણ નથી. આવામાં જો વરસાદના કારણે મેચ નહીં રમાય તો પાકિસ્તાનની આશાઓ પર પાણી ફરી શકે છે. પાકિસ્તાનનો નેટ રનરેટ ખૂબ જ ખરાબ છે. ભારત સામે 228 રનથી હાર્યા બાદ તેમનો રન રેટ ખુબ જ ખરાબ થઈ ગયો છે. રન રેટના સંદર્ભમાં તે શ્રીલંકાથી નીચે છે. અને જો મેચ નહીં થાય તો શ્રીલંકા ફાઇનલમાં પહોંચી જશે.


મેચ ધોવાશે તો નેટ રનરેટ પર થશે ફેંસલો - 
વાસ્તવમાં, જો સુપર 4 રાઉન્ડમાં પાકિસ્તાન વિરુદ્ધ શ્રીલંકા મેચ ધોવાઇ જાય છે, તો તે તેમના માટે મુશ્કેલ હશે કારણ કે બંને ટીમો પાસે કોઈ રિઝર્વ ડે પણ નથી. જ્યારે અગાઉ રવિવારે પાકિસ્તાન અને ભારત વચ્ચે રમાયેલી મેચમાં રિઝર્વ ડે હતો અને તે વરસાદથી પ્રભાવિત મેચ રિઝર્વ ડે પર જ એટલે કે સોમવારે પૂર્ણ થઈ હતી.


નેટ રનરેટમાં પાકિસ્તાન પાછળ - 
આવી સ્થિતિમાં જો ગુરુવારના દિવસે વરસાદ ધોવાઇ જાય છે, તો બંને ટીમોએ અહીં એક-એક પૉઇન્ટ વહેંચવો પડશે. હાલમાં બંને ટીમો 2-2 પૉઈન્ટ સાથે બીજા અને ત્રીજા સ્થાને છે. પાકિસ્તાનની ટીમ નબળા નેટ રનરેટ (NRR)ને કારણે અહીંથી બહાર થશે, તેનો વર્તમાન નેટ રનરેટ -1.892 છે, જ્યારે શ્રીલંકાની નેટ રનરેટ હાલમાં -0.200 છે, જે પાકિસ્તાન કરતાં વધુ સારી છે.