Hardik Pandya On IND vs PAK: ભારત અને પાકિસ્તાન 2 સપ્ટેમ્બરે એશિયા કપમાં એકબીજાનો સામનો કરશે. આ મેચની ક્રિકેટ ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ભારત-પાકિસ્તાન મેચ પહેલા ભારતીય ટીમના વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યાએ મોટું નિવેદન આપ્યું છે. હાર્દિક પંડ્યાએ કહ્યું કે ભારત-પાકિસ્તાન મેચ સાથે ચાહકોની લાગણી જોડાયેલી છે. પાકિસ્તાને છેલ્લા કેટલાક દિવસોમાં સારું પ્રદર્શન કર્યું છે. બાબર આઝમની ટીમ કેટલીક ફાઈનલ મેચ રમી ચૂકી છે. તેમણે એમ પણ કહ્યું કે ભારત-પાકિસ્તાનની હરીફાઈમાં ટેન્શનને નકારી શકાય નહીં.






ભારત-પાકિસ્તાન મેચ પર હાર્દિક પંડ્યાએ શું કહ્યું?


હાર્દિક પંડ્યાએ કહ્યું હતું કે અમે બહારની ચર્ચાને દૂર રાખવાનો પ્રયાસ કરીએ છીએ. તેણે કહ્યું કે અમારું સંપૂર્ણ ધ્યાન અમે કેવી રીતે સારું ક્રિકેટ રમી શકીએ તેના પર રહે છે. આખરે તો અમે  ક્રિકેટર છીએ. અમે તેના વિશે વધુ ઇમોશનલ થઇ શકીએ છીએ. જો તમે આમ કરશો તો શક્ય છે કે તમારા કેટલાક નિર્ણયો તમારી વિરુદ્ધ જશે. તેણે એમ પણ કહ્યું કે હું આ બાબતો પર વધુ ધ્યાન નથી આપતો, મારું સંપૂર્ણ ધ્યાન રમત પર જ રહે છે. 


'આવી મેગા ઇવેન્ટ્સમાં તમારી કસોટી થાય છે'


હાર્દિક પંડ્યાએ કહ્યું હતું કે આવી મેગા ઈવેન્ટ્સમાં તમારા કેરેક્ટરની કસોટી થાય છે. એક ક્રિકેટર તરીકે તમારા વ્યક્તિત્વની કસોટી થાય છે. ભારતીય વાઇસ કેપ્ટને કહ્યું કે આ બધા કારણોસર તે ભારત-પાકિસ્તાન મેચ માટે ખૂબ જ ઉત્સાહિત છે. હું આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું. ઉલ્લેખનીય છે કે એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 સપ્ટેમ્બરે મેચ રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3 વાગ્યે શરૂ થશે.


ભારતીય ચાહકો એશિયા કપની તમામ મેચો ડીડી સ્પોર્ટ્સની HD ચેનલ પર મફતમાં જોઈ શકશે. આ માટે તેમને એક પણ રૂપિયો ચૂકવવાની જરૂર નથી. અગાઉ ડીડી સ્પોર્ટ્સ એચડી નહોતું. પરંતુ તેની શરૂઆત એશિયા કપથી થઈ રહી છે. ટીમ ઈન્ડિયાના ચાહકો માટે આ કોઈ મોટી ભેટથી ઓછું નથી. આ પહેલા Hotstar એ એશિયા કપ મોબાઈલ પર ફ્રીમાં બતાવવાની જાહેરાત કરી હતી.