Imran Nazir Controversial Comment on Indian Team: એશિયા કપ 2023 ના આયોજનને લઈને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડ (BCCI) સતત વિવાદમાં છે. એક તરફ પીસીબી એશિયા કપ પાકિસ્તાનમાં જ આયોજિત કરવા માંગે છે. જ્યારે  ભારત પહેલાથી જ સ્પષ્ટ કરી ચૂક્યું છે કે ટીમ ઈન્ડિયા પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે. પાકિસ્તાનના પૂર્વ ઓપનર ઇમરાન નઝીરે આ મામલે ટીમ ઇન્ડિયા પર વિવાદિત નિવેદન આપ્યું છે. ઈમરાન નઝીરે કહ્યું હતું કે ભારત પાકિસ્તાન આવવા નથી ઈચ્છતું કારણ કે તેને હારનો ડર છે.


ઈમરાન નઝીરે આપ્યું વિવાદાસ્પદ નિવેદન


પાકિસ્તાનના પૂર્વ ઓપનર બેટ્સમેન ઈમરાન નઝીરે નાદિર અલી પોડકાસ્ટમાં વાતચીત દરમિયાન ટીમ ઈન્ડિયાના પાકિસ્તાન ન જવાના નિર્ણય પર સવાલ ઉઠાવતા વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે સુરક્ષાનું કોઈ કારણ નથી. જરા જુઓ પાકિસ્તાનમાં કેટલી ટીમ આવી છે. ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ જેવી ટીમોએ પણ મુલાકાત લીધી હતી. સત્ય એ છે કે ભારત એશિયા કપ માટે અહીં નહીં આવે કારણ કે તેમને હારનો ડર છે. સુરક્ષા માત્ર એક બહાનું છે. જો ડર ના હોય તો આવો અને ક્રિકેટ રમો.


ઈમરાને વધુમાં કહ્યું હતું કે લોકો ભારત વિરુદ્ધ પાકિસ્તાનની મેચ જોવા માંગે છે કારણ કે તેમાં એક અલગ જ સ્તરનો ઉત્સાહ છે. આખી દુનિયા તેને જાણે છે. એક ક્રિકેટર તરીકે પણ અમને લાગે છે કે ક્રિકેટને દુનિયાના ખૂણે ખૂણે લઈ જવા માટે ભારત-પાકિસ્તાનની મેચો જરૂરી છે.


ભારતની એશિયા કપની મેચો પાકિસ્તાનમાં અન્યત્ર યોજાઈ શકે છે


ઈએસપીએન ક્રિકઈન્ફોના રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન આ ઈવેન્ટનું આયોજન પોતાના દેશમાં કરી શકે છે, જેમાં ભારતની મેચ બીજા દેશ દુબઈ અથવા ઓમાનમાં આયોજિત કરી શકાય છે. આ સમાચાર અનુસાર, BCCI અને PCB હવે એક સમજૂતી પર પહોંચી ગયા છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પાકિસ્તાનની બહાર રમાશે. જો કે ભારત સામેની મેચો ક્યાં યોજાશે તે હજુ સુધી નક્કી નથી થયું. ACC અથવા ભારત અને પાકિસ્તાનના કોઈપણ બોર્ડ દ્વારા કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.