KL Rahul, Asia Cup 2023: એશિયા કપમાં ગ્રુપ મેચમાં ભારતે નેપાળને 10 વિકેટથી હરાવ્યું હતું. આ જીત સાથે ટીમ ઇન્ડિયા સુપર-4માં પહોંચી ગઇ છે. દરમિયાન ટીમ ઈન્ડિયા માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. કેએલ રાહુલ મંગળવારે શ્રીલંકામાં ટીમ ઈન્ડિયા સાથે જોડાશે. તે સુપર-4 મેચો માટે ઉપલબ્ધ રહેશે. કેએલ રાહુલે ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધો છે. તે પોતાની ઈજામાંથી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયો છે. વિશ્વ કપ માટે પણ રાહુલની પસંદગી કરવામાં આવશે તે નક્કી છે.
કેએલ રાહુલ ભારત-પાક મેચમાં રમી શકે છે
2023 એશિયા કપના સુપર-4 રાઉન્ડમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 સપ્ટેમ્બરે મેચ રમાઈ શકે છે. આ મેચમાં કેએલ રાહુલ પણ રમી શકે છે. આ પહેલા 2 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ વરસાદના કારણે રદ્દ કરાઇ હતી.
આજે વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરાશે
નોંધનીય છે કે આજે એટલે કે 5 સપ્ટેમ્બરે BCCI 2023 વન-ડે વર્લ્ડ કપ માટે ભારતની 15 સભ્યોની ટીમની જાહેરાત કરશે. બપોરે 1.30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ દ્વારા ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવશે. વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાના લગભગ 15 ખેલાડીઓના નામ ફાઈનલ થઈ ગયા છે, પરંતુ 2 નામો પર હજુ અંતિમ નિર્ણય લેવાનો બાકી છે. આ સિવાય એશિયા કપમાં રમી રહેલી ટીમ ઈન્ડિયાના મોટાભાગના ખેલાડીઓ વર્લ્ડ કપમાં જોવા મળશે. રોહિત શર્મા ઉપરાંત વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ, શ્રેયસ ઐયર, ઈશાન કિશન, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ જેવા ખેલાડીઓના નામ લગભગ નિશ્ચિત છે.
આ સિવાય અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિ કેટલાક આશ્ચર્યજનક નામો પર નિર્ણય લઈ શકે છે. જો કે, એવું માનવામાં આવે છે કે વિશ્વ કપની ટીમમાં મોટાભાગે એ જ ખેલાડીઓ હશે જે એશિયા કપમાં રમી રહ્યા છે.
પોઈન્ટ ટેબલની શું છે સ્થિતિ
ગ્રુપ Aમાંથી, પાકિસ્તાન પ્રથમ સ્થાને રહ્યું અને ભારત બીજા સ્થાને રહીને સુપર ફોર માટે ક્વોલિફાય થયું. ગ્રુપ-બીમાં શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન માટે સુપર ફોરમાં પહોંચવાનો માર્ગ હજુ ખુલ્લો છે. સુપર ફોર રાઉન્ડ 6 સપ્ટેમ્બરથી શરૂ થશે. ભારત અને પાકિસ્તાન ફરી એકવાર 10 સપ્ટેમ્બરે ટકરાશે. આ મેચ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે.