Asia Cup 2023:


Afghanistan Appoint New Batting Coach: અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (એસીબી) એ આગામી એશિયા કપ અને વન-ડે વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને તેની ટીમના કોચિંગ સ્ટાફમાં એક નવા સભ્યનો સમાવેશ કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે આ જવાબદારી ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટના ભૂતપૂર્વ ખેલાડી મિલાપ મેવાડાને સોંપી છે. મિલાપ મેવાડા બરોડા ટીમ તરફથી સ્થાનિક ક્રિકેટ રમી છે. મિલાપ પૂર્વ ભારતીય દિગ્ગજ ખેલાડી ઈરફાન પઠાણના પણ ખૂબ નજીકના ગણાય છે. મિલાપ અફઘાન ટીમ સાથે જોડાઈ ગયા છે અને તે પાકિસ્તાન સામેની આગામી શ્રેણીમાં જવાબદારી સંભાળતા જોવા મળશે.






બરોડા ટીમ તરફથી રમી ચૂક્યો છે મેવાડા


ભૂતપૂર્વ વિકેટકીપર-બેટ્સમેન મિલાપ મેવાડા ભારતીય સ્થાનિક ક્રિકેટમાં બરોડા ટીમ માટે રમ્યા હતા, તેમની અગાઉ બાંગ્લાદેશ સામેની ટી-20 સીરિઝ દરમિયાન અફઘાનિસ્તાન ટીમના બેટિંગ કોચ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આ પછી તેઓએ મિલાપનો કોન્ટ્રાક્ટ આ વર્ષે ડિસેમ્બર સુધી વધારવાનો નિર્ણય કર્યો હતો. હવે અફઘાન ટીમને વિશ્વાસ છે કે આ સાથે તેમના બેટ્સમેનોને વન-ડે વર્લ્ડ કપ દરમિયાન મિલાપના અનુભવનો પૂરો ફાયદો મળશે.


ભારતના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી ઈરફાન પઠાણે મિલાપ મેવાડાને અફઘાનિસ્તાન ટીમના બેટિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા બાદ અભિનંદન પાઠવ્યા હતા. ઈરફાન અને મિલાપ બરોડા ટીમ માટે સાથે રમ્યા છે. મિલાપ 1996 થી 2006 દરમિયાન બરોડા અને પશ્ચિમ ઝોનની ટીમ તરફથી રમી ચૂક્યો છે. ડોમેસ્ટિક ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ મિલાપે કોચિંગની દુનિયામાં પ્રવેશ કર્યો હતો.


અફઘાનિસ્તાનની ટીમ શ્રીલંકામાં પાકિસ્તાન સામે શ્રેણી રમશે


એશિયા કપ પહેલા અફઘાનિસ્તાનની ટીમ પોતાની તૈયારીઓને મજબૂત કરવા માટે 22 ઓગસ્ટથી શ્રીલંકામાં પાકિસ્તાન સામે 3 મેચની વનડે શ્રેણી રમશે. આ શ્રેણીની પ્રથમ 2 મેચ હમ્બનટોટામાં રમાશે જ્યારે છેલ્લી મેચ 26 ઓગસ્ટે કોલંબોમાં રમાશે. એશિયા કપમાં અફઘાન ટીમ તેની પ્રથમ મેચ 3 સપ્ટેમ્બરે બાંગ્લાદેશ ટીમ સામે રમશે.


પાકિસ્તાન અને બાંગ્લાદેશ બાદ હવે નેપાળે પણ એશિયા કપ 2023 માટે પોતાની 17 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. પ્રથમ વખત નેપાળ એશિયા કપમાં રમતું જોવા મળશે, જેમાં રોહિત પૌડેલ ટીમની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. આ ટીમમાં નેપાળના પૂર્વ કેપ્ટન લેગ સ્પિનર ​​સંદીપ લામિછાનેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેના બળાત્કારનો આરોપ લાગ્યા બાદ જામીન પર બહાર છે.