Jasprit Bumrah, Asia Cup 2023: 2023ના એશિયા કપમાં ભારતીય ટીમ સોમવારે નેપાળ સામે મેદાનમાં ઉતરશે. સુપર-4માં પહોંચવા માટે ટીમ ઈન્ડિયાએ કોઈપણ ભોગે આ મેચ જીતવી પડશે. જો કે આ મેચ પહેલા ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ એશિયા કપ અધવચ્ચે જ છોડીને સ્વદેશ પરત ફર્યો છે. બુમરાહનું મુંબઈ પરત ફરવાનું કારણ ખુશ કરનારું છે.






બુમરાહ માત્ર ત્રણ દિવસ માટે આવ્યો છે


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જસપ્રીત બુમરાહ માત્ર ત્રણ દિવસ માટે ઘરે આવ્યો છે. તે નેપાળ સામે રમશે નહીં, પરંતુ ત્યાર બાદ સુપર-4 મેચો માટે ઉપલબ્ધ રહેશે. વાસ્તવમાં બુમરાહ પિતા બનવાનો છે અને તેથી જ તે એશિયા કપ 2023 અધવચ્ચે છોડીને ઘરે પાછો આવ્યો હતો.


બુમરાહ પિતા બનવાનો છે


જસપ્રીત બુમરાહ થોડા દિવસોમાં પિતા બનવાનો છે. તેની પત્ની સંજના ગણેશન ટીવી પ્રેઝેન્ટર છે. બંનેની મુલાકાત 2019 વર્લ્ડ કપ દરમિયાન થઈ હતી. બુમરાહ અને સંજના ગણેશનના લગ્ન 15 માર્ચ 2021ના રોજ થયા હતા.


આયરલેન્ડ સામેની સીરિઝથી કરી હતી વાપસી


તાજેતરમાં જ જસપ્રીત બુમરાહે આયરલેન્ડ સામેની શ્રેણીમાંથી વાપસી કરી હતી. આ સીરીઝમાં જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન હતો. આ પહેલા જસપ્રીત બુમરાહ ઈજાના કારણે મેદાનથી દૂર હતો. આ કારણે તે IPL 2023માં સામેલ થઇ શક્યો નહોતો. ભારતીય ટીમમાં જસપ્રીત બુમરાહની વાપસી બાદ ફેન્સ ખૂબ જ ઉત્સાહિત હતા, પરંતુ હવે ફેન્સને નિરાશ કરવાના સમાચાર સામે આવી રહ્યા છે.


આજે નેપાળ સામે મેચ


ભારત અને નેપાળ વચ્ચેની મેચ એ જ મેદાન પર રમાશે જ્યાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી. જો કે ભારત-પાકિસ્તાનની મેચ વરસાદના કારણે રદ્દ કરવામાં આવી હતી. અહીં ઝડપી બોલરોને શરૂઆતમાં મદદ મળશે. જો કે, બોલ જૂનો થયા પછી પિચ બેટ્સમેન માટે યોગ્ય બની જાય છે. જોકે BCCIની મેડિકલ ટીમે કેએલ રાહુલને ફિટ જાહેર કર્યો છે. રાહુલે ફિટનેસ ટેસ્ટ પણ પાસ કર્યો છે. તેમ છતાં તે નેપાળ સામે રમશે નહીં. વાસ્તવમાં રાહુલ બે મેચ બાદ જ ઉપલબ્ધ થશે.