Rohit Sharma Forgot His Passport: ભારતીય ટીમના વર્તમાન કેપ્ટન રોહિત શર્માને પોતાની કિંમતી ચીજવસ્તુઓ ભૂલી જવાની આદત છે અને આ વાતનો ખુલાસો વિરાટ કોહલીએ તેના એક ઈન્ટરવ્યુ દરમિયાન કર્યો હતો. આવું જ દ્રશ્ય શ્રીલંકામાં જોવા મળ્યું જ્યારે ટાઈટલ જીત્યા બાદ રોહિત સહિત ટીમ ઈન્ડિયાના ઘણા ખેલાડીઓ ઘરે પરત જવા માટે ટીમની બસમાં સવાર થઈ રહ્યા હતા. આ દરમિયાન તે પોતાનો પાસપોર્ટ હોટલમાં જ ભૂલી ગયો હતો અને થોડા સમય પછી સપોર્ટ સ્ટાફનો એક સભ્ય પાસપોર્ટ લઇને આવ્યો હતો અને રોહિત શર્માને આપ્યો હતો.
રોહિત શર્માની આ આદતને લઈને ચાહકોને કોહલીનું એ નિવેદન યાદ આવ્યું જ્યારે તેણે કહ્યું હતું કે રોહિત ઘણીવાર હોટલમાં પોતાનો આઈપેડ, મોબાઈલ અને પાસપોર્ટ પણ ભૂલી જાય છે. એકવાર તે તેની લગ્નની વીંટી પણ હોટલમાં ભૂલી ગયો હતો, જો કે તે દર વખતે તેને શોધી લે છે. અહીં પણ રોહિતનો પાસપોર્ટ મળ્યા બાદ ટીમ બસ હોટલથી એરપોર્ટ જવા રવાના થાય છે.
એશિયા કપની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામેની મેચમાં એકતરફી જીત મેળવી હતી. આ મેચમાં મોહમ્મદ સિરાજના શાનદાર બોલિંગ પ્રદર્શનના આધારે ભારતે શ્રીલંકાને માત્ર 50 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. આ પછી તેઓએ આ લક્ષ્યાંક 6.1 ઓવરમાં કોઈપણ નુકસાન વિના હાંસલ કર્યો અને આઠમી વખત આ ટુર્નામેન્ટ જીતવામાં સફળ રહી હતી.
રોહિત શર્માનું એશિયા કપમાં સારુ પ્રદર્શન
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ એશિયા કપ 2023માં સારું પ્રદર્શન કર્યું હતું. તેણે નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકા સામેની મેચમાં અડધી સદીની ઇનિંગ્સ રમી હતી. આ સિવાય રોહિત વનડેમાં પોતાના 10,000 રન પણ પૂરા કરવામાં સફળ રહ્યો હતો. તે વિરાટ કોહલી પછી ભારત તરફથી સૌથી ઝડપી 10 હજાર પુરા કરનાર બીજો બેટ્સમેન છે