SL vs BAN Match Report: એશિયા કપ સુપર-4 રાઉન્ડની બીજી મેચમાં શ્રીલંકાએ બાંગ્લાદેશને હરાવ્યું છે. આ મેચમાં બાંગ્લાદેશની ટીમનો 21 રને પરાજય થયો છે. વાસ્તવમાં બાંગ્લાદેશ માટે આ મેચ કરો યા મરોથી ઓછી નહોતી. આ હાર સાથે શાકિબ અલ હસનની ટીમ 2023ના એશિયા કપમાંથી બહાર થઈ ગઈ છે. વનડેમાં શ્રીલંકાની આ સતત 13મી જીત છે.


 






બાંગ્લાદેશને 258 રનનો ટાર્ગેટ મળ્યો હતો


બાંગ્લાદેશને જીતવા માટે 258 રનનો ટાર્ગેટ હતો. પરંતુ શાકિબ અલ હસનની ટીમ 48.1 ઓવરમાં માત્ર 236 રનમાં જ સમેટાઈ ગઈ હતી. બાંગ્લાદેશ તરફથી તૌહીદ હૃદોયે સૌથી વધુ રન બનાવ્યા હતા. આ ખેલાડીએ 97 બોલમાં 82 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 7 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. તો બીજી તરફ, બાંગ્લાદેશના ઓપનર મોહમ્મદ નઈમ અને મહેંદી હસન મિરાજે પ્રથમ વિકેટ માટે 11.1 ઓવરમાં 55 રન જોડ્યા હતા. જોકે બાંગ્લાદેશના મોટાભાગના બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા. પરિણામે શાકિબ અલ હસનની ટીમ લક્ષ્યાંકનો પીછો કરી શકી નહોતી.


 






આવી રહી શ્રીલંકાના બોલરોની હાલત


શ્રીલંકા તરફથી મહિષ તિક્ષિણા, કેપ્ટન દાશુન શનાકા અને મેથિસા પાથિરાનાએ 3-3 વિકેટ લીધી હતી. જ્યારે ડ્યુનિથ વેલેગેલે 1 વિકેટ લીધી હતી. આ પહેલા બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી શ્રીલંકાએ 50 ઓવરમાં 9 વિકેટે 257 રન બનાવ્યા હતા. શ્રીલંકા માટે કુસલ મેન્ડિસ અને સાદિરા સમરવિક્રમાએ પચાસ રનનો આંકડો પાર કર્યો હતો. કુસલ મેન્ડિસે 73 બોલમાં 50 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 6 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. જ્યારે સાદિરા સમરવિક્રમાએ 72 બોલમાં 93 રનનું યોગદાન આપ્યું હતું. બાંગ્લાદેશ તરફથી હસન મહમૂદ અને તસ્કીન અહેમદે 3-3 વિકેટ લીધી હતી. શરીફુલ ઈસ્લામે 2 ખેલાડીઓને આઉટ કર્યા હતા.. રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો રમાશે. જો કે, આ મેચમાં પણ વરસાદ વિઘ્ન પાડી શકે છે.


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial