Asia Cup 2023 Team India Squad: 30 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા એશિયા કપ માટે આજે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી.  વર્લ્ડકપ પહેલા એશિયા કપ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ ટુર્નામેન્ટ છે. એશિયા કપ માટેની ટીમમાં કેએલ રાહુલ અને શ્રેયસ ઐય્યરની વાપસી થઇ છે. 






 


 


યુઝવેન્દ્ર ચહલને પડતો મુકાયો


લેગ-સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ, વિકેટ-કીપર બેટ્સમેન સંજુ સેમસન અને ઝડપી બોલર ઉમરાન મલિકને 2023 એશિયા કપ માટે ભારતની 17 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી. જોકે, સંજૂ સેમસનને સ્ટેન્ડબાય ખેલાડી તરીકે સામેલ કરવામાં આવ્યો છે.


મિડલ ઓર્ડર મજબૂત થયો


ઈન્ડિયામાં વિકેટ કીપર બેટ્સમેન કેએલ રાહુલ અને શ્રેયસ ઐયરની વાપસી થઇ છે. વાસ્તવમાં કેએલ રાહુલ અને શ્રેયસ ઈજાના કારણે ટીમની બહાર હતા. પરંતુ હવે બંને ખેલાડીઓ સંપૂર્ણ રીતે ફિટ છે. કેએલ રાહુલ છેલ્લે IPL 2023 સીઝન દરમિયાન મેદાન પર જોવા મળ્યો હતો. કેએલ રાહુલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ઈજાગ્રસ્ત થયો હતો. જે બાદ તે આખી ટૂર્નામેન્ટમાં રમી શક્યો નહોતો. જો કે કેએલ રાહુલ અને શ્રેયસની વાપસીથી ટીમ ઈન્ડિયાનો મિડલ ઓર્ડર ઘણો મજબૂત દેખાઈ રહ્યો છે.


2 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાન સામે રમશે ભારત


રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ એશિયા કપમાં પોતાની પ્રથમ મેચ 2 સપ્ટેમ્બરે રમશે. આ મેચ શ્રીલંકાના કેન્ડીમાં પાકિસ્તાન સામે રમાશે. આ પછી ભારત 4 સપ્ટેમ્બરે નેપાળ સામે બીજી ગ્રુપ મેચ રમશે. એશિયા કપમાં ભારત, પાકિસ્તાન અને નેપાળ ગ્રુપ-એમાં છે. એશિયા કપ પાકિસ્તાનની યજમાનીમાં હાઈબ્રિડ મોડલના આધારે રમાઈ રહ્યો છે.


એશિયા કપમાં ફાઈનલ સહિત કુલ 13 મેચ છે. તેમાંથી 4 મેચ પાકિસ્તાનમાં યોજાશે. જ્યારે ફાઈનલ સહિત બાકીની 9 મેચો શ્રીલંકામાં રમાશે. જો ભારતીય ટીમ ફાઈનલ સુધીનો પ્રવાસ કરશે તો તે ટુર્નામેન્ટમાં કુલ 6 મેચ રમશે. આ વખતે એશિયા કપ વન-ડે ફોર્મેટમાં થઈ રહ્યો છે.


એશિયા કપ માટેની ભારતીય ટીમ


રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ઇશાન કિશન, હાર્દિક પંડ્યા (વાઇસ કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા


સ્ટેન્ડબાય પ્લેયર- સંજૂ સેમસન