Asia Cup 2023 India vs Pakistan: એશિયા કપ 2023 ની ત્રીજી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી. પરંતુ વરસાદના કારણે આ મેચ રદ્દ થઇ હતી. હવે રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે. સુપર ફોરની ત્રીજી મેચ પર વરસાદનો ખતરો છે. આ મેચ કોલંબોમાં રમાવાની છે. પરંતુ કોલંબોમાં ભારે વરસાદે ચિંતા વધારી દીધી છે. છેલ્લી ભારત-પાકિસ્તાન મેચમાં પણ વરસાદના કારણે મુશ્કેલી સર્જાઈ હતી.


ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 સપ્ટેમ્બરે કોલંબોમાં મેચ રમાવાની છે. પરંતુ ભારે વરસાદને કારણે પિચ અને મેદાનની તૈયારી પર ખરાબ અસર પડી છે. આ અંગે ગ્રાઉન્ડ સ્ટાફને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ વરસાદને કારણે પ્રેક્ટિસ કરી શક્યા નથી. આ કારણે હાલ આ મેચ પર સંકટના વાદળો છવાયેલા છે. ભારત-પાકિસ્તાનની છેલ્લી મેચ પલ્લેકલેમાં રમાઇ હતી પરંતુ વરસાદના કારણે મેચ રદ્દ કરાઇ હતી.


વરસાદને કારણે એશિયા કપ 2023માં અનેક મેચ પ્રભાવિત થઇ છે.  મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વરસાદના કારણે મેચના સ્થળોમાં ફેરફાર થઇ શકે છે પરંતુ હજુ સુધી આ અંગે કોઇ સત્તાવાર જાહેરાત કરાઇ નથી. એક રિપોર્ટ અનુસાર કોલંબોમાં રમાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ હમ્બનટોટામાં રમાઈ શકે છે. પરંતુ હાલમાં આ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.


ઉલ્લેખનીય છે કે એશિયા કપ 2023ના સુપર ફોરમાં ચાર ટીમોએ સ્થાન મેળવ્યું છે. ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકાની ટીમો સુપર ફોરમાં પહોંચી ગઈ છે. અફઘાનિસ્તાન અને નેપાળની ટીમો ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. ભારતની પ્રથમ મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. તેથી તેને અને પાકિસ્તાનને એક-એક પોઈન્ટ મળ્યો. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ બીજી મેચમાં નેપાળને 10 વિકેટે હરાવ્યું હતું. આ રીતે ટીમ ઈન્ડિયાએ સુપર ફોરમાં જગ્યા બનાવી લીધી હતી.


એશિયા કપ સુપર-4 રાઉન્ડની પ્રથમ મેચમાં પાકિસ્તાને બાંગ્લાદેશને હરાવ્યું છે. બાબર આઝમની આગેવાની હેઠળની પાકિસ્તાની ટીમે બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું હતું. પાકિસ્તાનને જીતવા માટે 194 રનનો ટાર્ગેટ હતો. પાકિસ્તાની ટીમના ઓપનર ઈમામ-ઉલ-હક અને વિકેટ કીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાનની શાનદાર ઇનિંગ્સના કારણે 39.3 ઓવરમાં 3 વિકેટે 194 રન બનાવીને મેચ જીતી લીધી હતી.