IND vs PAK Asia Cup 2023: ક્રિકેટ ફેન્સ માટે એક ખાસ સમાચાર સામે આવ્યા છે. લાંબી રાહ જોવડાવ્યા બાદ હવે એશિયા કપ 2023ની સ્થિતિ સ્પષ્ટ થઇ ગઇ છે. ભારત અને પાકિસ્તાની ટીમો ફરી એકવાર ક્રિકેટના મેદાનમાં આમને સામને ટકરાતી જોવા મળશે. તાજેતરમાં જ એશિયા કપ 2023ની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલે ગુરુવારે (15 જૂન) ટૂર્નામેન્ટની તારીખોની ઓફિશિયલ જાહેરાત કરી હતી. એશિયા કપ 2023 આગામી 31 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર સુધી રમાશે. વળી, આ ટૂર્નામેન્ટ દ્વારા ભારત અને પાકિસ્તાનના ફેન્સ માટે એક સારા સમાચાર પણ આવ્યા છે. હકીકતમાં ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કુલ ત્રણ રોમાંચક મેચ જોવા મળી શકે છે.


માન્યામાં નહીં આવે પરંતુ આ વાત સાચી છે. ODI વર્લ્ડકપ 2023 પહેલા એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કુલ ત્રણ મેચ જોવા મળી શકે છે. એશિયા કપમાં કુલ 6 ટીમો ભાગ લેશે, જેમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને નેપાળની ટીમનો સમાવેશ થાય છે. તમામ ટીમોને 3-3 ના બે જૂથોમાં વહેંચવામાં આવી છે, A અને B. ગૃપ-Aમાં ભારત, પાકિસ્તાન અને નેપાળની ટીમ છે, તો વળી. B ગૃપમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકાનો સમાવેશ થાય છે.


આવી રીતે થઇ શકે છે ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મેચો - 
બંને ગ્રુપમાં હાજર તમામ ટીમો એકબીજા સામે એક-એક મેચ રમશે, આ રીતે ગૃપ સ્ટેજમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ મેચ જોવા મળશે. બંને વચ્ચેની આ મેચ ઓફિશિયલી નક્કી છે.


આ પછી ગૃપ-Aમાંથી ભારત અને પાકિસ્તાન ટોપ-4માં ક્વૉલિફાય થવાની પ્રબળ સંભાવના છે. વળી, સુપર-4માં, તમામ ટીમો ટોપ-2માં રહેવા અને ફાઈનલ માટે ક્વૉલિફાય કરવા માટે એકબીજા સાથે સ્પર્ધા કરશે, આવામાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની બીજી મેચ અહીં જોવા મળી શકે છે.


બીજીબાજુ જો ભારત અને પાકિસ્તાનની ટીમો સુપર-4 જીતીને ફાઇનલમાં પહોંચે છે તો બંને વચ્ચેની ત્રીજી મેચ ફાઇનલ તરીકે જોવા મળી શકે છે.


એશિયા કપ 2022માં રમાઇ હતી બે મેચો - 
ઉલ્લેખનીય છે કે, આ પહેલા રમાયેલા એશિયા કપ 2022માં ભારત અને પાકિસ્તાન વચ્ચે બે મેચ જોવા મળી હતી. બંને ટીમો પહેલા ગૃપ સ્ટેજમાં ટકરાયા હતા. આ પછી સુપર-4માં બંને ટીમો સામસામે આવી હતી. આમાં ભારતે ગૃપ-સ્ટેજની મેચ જીતી હતી, વળી, પાકિસ્તાને સુપર-4 મેચ જીતી હતી.