Asian Games 2023: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે હાંગઝોઉ એશિયન ગેમ્સની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. 24 સપ્ટેમ્બર (રવિવાર)ના રોજ રમાયેલી સેમિફાઇનલ મેચમાં ભારતે બાંગ્લાદેશને 8 વિકેટથી હરાવ્યું હતું. મેચમાં બાંગ્લાદેશે ભારતીય ટીમને જીતવા માટે 52 રનનો ટાર્ગેટ આપ્યો હતો જે તેણે 8.2 ઓવરમાં હાંસલ કરી લીધો હતો.
ભારતની વિકેટ આ રીતે પડી:
પ્રથમ વિકેટ- સ્મૃતિ મંધાના 7 રન (19/1)
બીજી વિકેટ- શેફાલી વર્મા 17 રન (40/2)
ભારત માટે જેમિમાહ રોડ્રિગ્સે સૌથી વધુ 20 રનની અણનમ ઇનિંગ રમી હતી. ફાઇનલમાં પહોંચીને ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઓછામાં ઓછો સિલ્વર મેડલ પોતાના નામે કરી લીધો છે. હવે ફાઈનલ મેચમાં ભારત શ્રીલંકા સામે ટકરાશે. બીજી સેમિફાઇનલ મેચમાં શ્રીલંકાએ પાકિસ્તાનને છ વિકેટે હરાવ્યું હતું.
આ પહેલા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી બાંગ્લાદેશી ટીમે શરૂઆતથી જ વિકેટ ગુમાવી દીધી હતી.મેચના પહેલા જ બોલ પર તેની શરૂઆતની વિકેટ ગુમાવી દીધી હતી. પાવરપ્લેમાં બાંગ્લાદેશે ચાર વિકેટ ગુમાવી હતી, જેમાંથી પૂજા વસ્ત્રાકરે ત્રણ વિકેટ ઝડપી હતી. બાંગ્લાદેશની વિકેટો પડવાની પ્રક્રિયા ચાલુ રહી. પરિણામે તેની આખી ટીમ 17.5 ઓવરમાં 51 રનમાં સમેટાઈ ગઈ હતી.
બાંગ્લાદેશ તરફથી માત્ર સુકાની નિગાર સુલ્તાના (12) જ બે આંકડા સુધી પહોંચી શકી હતી. પાંચ બેટ્સમેન ખાતું પણ ખોલાવી શકી ન હતી. ભારત તરફથી પૂજા વસ્ત્રાકરે 4 ઓવરમાં 17 રન આપીને સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. જ્યારે ટિટાસ સાધુ, રાજેશ્વરી ગાયકવાડ, દેવિકા વૈદ્ય અને અમનજોત કૌરને એક-એક વિકેટ મળી હતી.
ભારતની પ્લેઈંગ-11:
સ્મૃતિ મંધાના (કેપ્ટન), શેફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, કનિકા આહુજા, રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, દેવિકા વૈદ્ય, અમનજોત કૌર, પૂજા વસ્ત્રાકર, ટિટાસ સાધુ, રાજેશ્વરી ગાયકવાડ.
બાંગ્લાદેશની પ્લેઈંગ-11:
શમીમા સુલ્તાના, શાતિ રાની, નિગાર સુલતાના (કેપ્ટન/વિકેટકીપર), શોભના મોસ્તરી, રિતુ મોની, મારુફા અખ્તર, નાહિદા અખ્તર, શોર્ના અખ્તર, ફાહિમા ખાતૂન, સુલ્તાના ખાતૂન, રાબેયા ખાન.