Australia vs West Indies Test: ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમને કેપ્ટન તરીકે મોટો ઝટકો લાગ્યો છે. ટીમના સુકાની પેટ કમિન્સને સ્નાયુમાં ખેંચ આવી હતી. આ પછી, તે ચોથા દિવસે મેદાન પર દેખાયો ન હતો. કમિન્સ મેચના છેલ્લા દિવસે પણ રમી શકશે નહીં. જેના કારણે ઓસ્ટ્રેલિયાએ છેલ્લા દિવસ માટે સ્ટીવ સ્મિથને ટીમનો કેપ્ટન બનાવ્યો છે. સ્ટીવ સ્મિથ ચાર વર્ષ બાદ ફરી એકવાર ઓસ્ટ્રેલિયાની કમાન સંભાળવા જઈ રહ્યો છે.
2018માં, સ્મિથ પર દક્ષિણ આફ્રિકા સામે રમતી વખતે બોલ ટેમ્પરિંગનો આરોપ લાગ્યો હતો. તે સમયે સ્મિથ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન હતા. આ ઘટના બાદ તેને કેપ્ટનશિપ ગુમાવવી પડી હતી અને તેના પર એક વર્ષનો પ્રતિબંધ પણ મુકાયો હતો. પ્રતિબંધનું એક વર્ષ પૂર્ણ કર્યા બાદ માર્ચ 2019માં તેણે પુનરાગમન કર્યું હતું. પરત ફર્યા બાદ તેણે ટીમ માટે ઘણી શાનદાર ઇનિંગ્સ રમી હતી. પરંતુ તેને સુકાની બનવાની તક ન મળી. હવે ચાર વર્ષ બાદ તેને ફરીથી ટીમની કમાન સંભાળવાની જવાબદારી મળી છે.
મેચના ચાર દિવસ પૂર્ણ થયા છે. બીજી ઈનિંગ રમી રહેલી વેસ્ટ ઈન્ડિઝને જીતવા માટે 306 રનની જરૂર છે. વેસ્ટ ઈન્ડિઝે ચોથા દિવસની રમત પૂરી થાય તે પહેલા 3 વિકેટના નુકસાન પર 192 રન બનાવી લીધા છે.
આ મેચમાં ઓસ્ટ્રેલિયાનો દબદબો યથાવત રહ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 5 વિકેટના નુકસાને 598 રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. વેસ્ટ ઈન્ડિઝ પ્રથમ દાવમાં 283 રનમાં સમેટાઈ ગઈ હતી. આ પછી ઓસ્ટ્રેલિયાએ તેની બીજી ઇનિંગમાં 2 વિકેટના નુકસાન પર 182 રન બનાવીને ફરી એકવાર ઇનિંગ્સ ડિકલેર કરી હતી. હવે જોવાનું એ રહેશે કે ઓસ્ટ્રેલિયા વિરોધી ટીમની તમામ વિકેટો પાડીને મેચ જીતવામાં સફળ થાય છે કે નહીં.