નવી દિલ્હી: આ વર્ષના અંતમાં ભારતમાં વન-ડે વર્લ્ડકપ રમાશે જેની શરૂઆત 5 ઓક્ટોબરથી થશે. વર્લ્ડકપ પહેલા કાંગારૂ ટીમે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર 3 ટી-20 અને 5 વન-ડે રમશે. દરમિયાન, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ માટે 18 સભ્યોની સંભવિત ટીમ જાહેર કરી છે. આ ટીમ દક્ષિણ આફ્રિકા અને ભારત સામે પણ વનડે શ્રેણી રમશે. આમાં અનુભવી બેટ્સમેન માર્નસ લાબુશેનનો સમાવેશ કરવામાં આવ્યો નથી. એટલે કે તે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ 30 ઓગસ્ટથી શરૂ થઈ રહ્યો છે. દક્ષિણ આફ્રિકાના પ્રવાસ બાદ ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડકપ પહેલા ભારત સામે 3 વનડે મેચ રમવાની છે. પેટ કમિન્સ જોકે હાથમાં ફ્રેક્ચરને કારણે 6 અઠવાડિયા માટે બહાર છે.
મિશેલ માર્શને ઓસ્ટ્રેલિયન ટી-20 ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ સિવાય ફાસ્ટ બોલર સીન એબોટ અને એરોન હાર્ડીને પણ વર્લ્ડકપ માટે જાહેર કરવામાં આવેલી સંભવિત ટીમમાં સ્થાન મળ્યું છે. લેગ સ્પિનર તનવીર સંગા પણ સ્થાન મેળવવામાં સફળ રહ્યો છે. તે છેલ્લા કેટલાક સમયથી પીઠની ઈજાથી ઝઝૂમી રહ્યો હતો. 21 વર્ષીય બોલરને હાલમાં જ ન્યૂઝીલેન્ડ સામેની ટી20 સીરીઝ માટે ટીમમાં સ્થાન મળ્યું છે. જોકે તેને ડેબ્યૂ કરવાની તક મળી નથી.
સાઉથ આફ્રિકા સામે પાંચ વન-ડે રમશે
દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર ટી-20 મેચ 30 ઓગસ્ટ, 1 અને 3 સપ્ટેમ્બરના રોજ રમાવાની છે. જ્યારે વન-ડે સીરિઝની વાત કરીએ તો, મેચો 7, 9, 12, 15 અને 17 સપ્ટેમ્બરે રમાશે. ભારત સામેની મેચો 22 સપ્ટેમ્બરથી શરૂ થશે. વર્લ્ડકપ પહેલા ટીમ ઈન્ડિયા પણ આ સીરિઝથી પોતાની તૈયારીઓને મજબૂત કરવા ઈચ્છશે. જોકે, ગ્લેન મેક્સવેલ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર ઉપલબ્ધ રહેશે નહીં. કેપ્ટન પેટ કમિન્સ પણ ઈજાના કારણે દક્ષિણ આફ્રિકા સામે રમશે નહીં.
વર્લ્ડકપ માટે 18 સભ્યોની સંભવિત ટીમ
ડેવિડ વોર્નર, ટ્રેવિસ હેડ, સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, જોસ ઇંગ્લિશ, એલેક્સ કેરી, માર્કસ સ્ટોઇનિસ, મિશેલ માર્શ, કેમરૂન ગ્રીન, એરોન હાર્ડી, સીન એબોટ, એસ્ટન અગર, એડમ ઝમ્પા, તનવીર સંગા, પેટ કમિન્સ (કેપ્ટન), મિશેલ સ્ટાર્ક , જોશ હેઝલવુડ અને નાથન એલિસ.