વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી ટી-20 મેચમાં ટીમ ઇન્ડિયાને હાર મળી છે. બીજી ટી-20 મેચમાં ભારતને ભલે હાર મળી હોય પરંતુ ભારત તરફથી યુવા બેટ્સમેન તિલક વર્માએ શાનદાર બેટિંગ કરી અડધી સદી ફટકારી હતી. તેણે પોતાની કારકિર્દીની પ્રથમ બે મેચમાં જોરદાર બેટિંગ કરી હતી. વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટી-20માં તિલકે તેની પ્રથમ અડધી સદી ફટકારી હતી પરંતુ અહીં તેણે ફિફ્ટી પુરી કર્યા બાદ કરેલી ઉજવણી ખૂબ ચર્ચામાં છે. તેણે અડધી સદી ફટકારી ડાન્સ કરી ઉજવણી કરી તેનું કનેક્શન ભારતીય કેપ્ટન રોહિત શર્માની દીકરી સાથે છે.


વાસ્તવમાં 20 વર્ષીય તિલક વર્માએ વેસ્ટ ઇન્ડિઝ સામેની ટી-20 સિરીઝની પ્રથમ મેચથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું અને ટીમ માટે સૌથી વધુ 39 રન બનાવ્યા હતા. જો કે હજુ પણ ભારત જીતી શક્યું નથી. બીજી મેચમાં તિલકે તેના પ્રદર્શનમાં વધુ સુધારો કર્યો અને તેની પ્રથમ અડધી સદી ફટકારી હતી. તિલકે 51 રન બનાવ્યા હતા. જો કે, તેના સિવાય ટીમના બાકીના બેટ્સમેનોએ નિરાશ કર્યા અને ભારતનો પરાજય થયો હતો.






તિલકે રોહિતની દીકરી માટે ડાન્સ કર્યો હતો


આ યુવા બેટ્સમેને તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ અડધી સદી 39 બોલમાં ફટકારી હતી. તેણે પોતાની અડધી સદી પુરી કરતાની સાથે જ તેના બંને અંગૂઠા ઉચા કરી ડાન્સ કર્યો હતો. જેણે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. હવે સ્વાભાવિક રીતે જ સવાલ થયો કે તેમની આ ખાસ ઉજવણી પાછળનું કારણ શું હતું.






મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં તિલકને પણ આ સવાલ પૂછવામાં આવ્યો અને તેણે આ પાછળનું કારણ પણ જણાવ્યું હતું. તિલકે કહ્યું કે તે હંમેશા રોહિતની દીકરી સમાયરા સાથે રમે છે અને આ રીતે ઉજવણી કરે છે. એટલા માટે તેણે સમાયરાને વચન આપ્યું હતું કે જ્યારે પણ તે આંતરરાષ્ટ્રીય સ્તરે સદી અથવા અડધી સદી ફટકારશે, તે આ રીતે ઉજવણી કરશે.