Ashes 2023 ENG Vs AUS 1st test Report: ઑસ્ટ્રેલિયા અને ઈગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી એશિઝ 2023ની પ્રથમ ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાએ 2 વિકેટે જીત મેળવી છે. ટાર્ગેટનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે અણનમ 44 રન ફટકાર્યા હતા અને છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને ટીમને વિજય અપાવ્યો હતો. ઉસ્માન ખ્વાજાએ ટીમ માટે 65 રનની સૌથી મોટી ઇનિંગ રમી હતી. ઈગ્લેન્ડ તરફથી બ્રોડે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. વરસાદના કારણે છેલ્લા દિવસની રમત બીજા સેશનથી શરૂ થઈ હતી.
વરસાદ બાદ ઓસ્ટ્રેલિયાને છેલ્લા દિવસે એટલે કે પાંચમા દિવસે 67 ઓવરમાં 174 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. ચોથા દિવસના અંતે ઓસ્ટ્રેલિયાની ટીમે 3 વિકેટ ગુમાવી દીધી હતી. આથી ઓસ્ટ્રેલિયાને અંતિમ દિવસે જીતવા માટે 174 રન બનાવવાના હતા અને તેના હાથમાં સાત વિકેટ હતી. પાંચમા દિવસે ઓસ્ટ્રેલિયાએ એશિઝ 2023ની પ્રથમ ટેસ્ટ 2 વિકેટે હાથમાં રાખીને ટાર્ગેટ હાંસલ કરીને જીતી લીધી હતી.
કમિન્સ અને નાથન લિયોને અડધી સદીની ભાગીદારી નોંધાવી
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સ અને નાથન લિયોને પોતાની બેટિંગથી મેચ જીતવામાં મદદ કરી હતી. નવમા નંબર પર બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી અણનમ 44 રન બનાવ્યા હતા અને 10માં નંબર પર બેટિંગ કરતા નાથન લિયોને 2 ચોગ્ગાની મદદથી અણનમ 16 રન ફટકાર્યા હતા. બંન્ને વચ્ચે 9મી વિકેટ માટે અણનમ 55 રનની ભાગીદારી કરી હતી.
ઈગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને 8 વિકેટે 393 રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. ટીમ માટે પૂર્વ કેપ્ટન જો રૂટે 118 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના બોલર નાથન લિયોને 4 અને જોશ હેઝલવુડે 2 વિકેટ ઝડપી હતી. આ સિવાય સ્કોટ બોલેન્ડ અને કેમરૂન ગ્રીને 1-1 વિકેટ લીધી હતી.
આ પછી ઓસ્ટ્રેલિયાની ટીમે તેના પ્રથમ દાવમાં 386 રન બનાવ્યા હતા. ટીમ માટે ઉસ્માન ખ્વાજાએ 14 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 141 રન બનાવ્યા હતા. આ દરમિયાન ઇગ્લેન્ડના બોલર સ્ટુઅર્ટ બ્રોડ અને રોબિન્સને 3-3 વિકેટ લીધી હતી. આ સિવાય સ્પિનર મોઈન અલીએ 2 વિકેટ લીધી હતી. આ સાથે જ કેપ્ટન બેન સ્ટોક્સ અને જેમ્સ એન્ડરસને 1-1 વિકેટ લીધી હતી.
ઇગ્લેન્ડનો બીજો દાવ 273 રનમાં સમેટાઈ ગયો હતો. આ ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાના બોલર નાથન લિયોન અને કેપ્ટન પેટ કમિન્સે 4-4 વિકેટ લીધી હતી. આ સાથે જ જોશ હેઝલવુડ અને સ્કોટ બોલેન્ડને 1-1 સફળતા મળી હતી. આ પછી 281 રનનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ 2 વિકેટે જીત મેળવી હતી.