Australia Playing 11 For 2nd ODI: પ્રથમ વનડેમાં 5 વિકેટથી હાર્યા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે, બીજી વનડે આવતીકાલે રમાશે, આ મેચમાં ભારતીય ટીમને હરાવવા કાંગારુ ટીમમાં મોટા ફેરફારો થવાના નક્કી દેખાઇ રહ્યાં છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી વનડે મેચ 24 સપ્ટેમ્બર રવિવારે હોલકર સ્ટેડિયમ ઇન્દોરમાં રમાશે. ખાસ વાત છે કે, બીજી વનડેમાં ભારત સામે ઓસ્ટ્રેલિયા ભારતીય મૂળના ક્રિકેટરને મેદાનમાં ઉતારી શકે છે. જાણો કાંગારુ ટીમમાં શું થઇ શકે છે ફેરફાર...


પ્રથમ વનડેમાં ઓસ્ટ્રેલિયન ટીમની બૉલિંગ ઘણી નબળી જોવા મળી હતી. ટીમ માત્ર એક મુખ્ય ઝડપી બૉલર અને એક મુખ્ય સ્પિનર ​​સાથે ઉતરી હતી, બાકીના બધા ઓલરાઉન્ડર હતા. આવી સ્થિતિમાં ટીમ બીજી વનડેમાં બોલિંગ વિભાગમાં ફેરફાર કરી શકે છે.


આ 'ભારતીય' સ્પીનરને મળશે મોકો - 
ભારતીય મૂળના લેગ સ્પિનર ​​તનવીર સાંઘાને ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાનારી બીજી વનડેમાં પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળી શકે છે. મેથ્યૂ શૉર્ટની જગ્યાએ તનવીર સાંઘાને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી શકાય છે. આ ઉપરાંત જૉશ હેઝલવુડની પણ ટીમમાં વાપસી થઈ શકે છે. હેઝલવુડ અંતિમ ઈલેવનમાં સીન એબૉટનું સ્થાન લઈ શકે છે.


મિશેલ સ્ટાર્ક અને ગ્લેન મેક્સવેલ નહીં રહે ઉપલબ્ધ  - 
પ્રથમ વનડેમાં હાર બાદ ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે સંકેત આપ્યા હતા કે ગ્લેન મેક્સવેલ બીજી વનડેમાં પણ ઉપલબ્ધ રહેશે નહીં. મિચેલ સ્ટાર્ક પણ બીજી વનડે નહીં રમે. જો કે આ બંને સ્ટાર ખેલાડીઓ ત્રીજી વનડેમાં રમે તેવી અપેક્ષા છે.


બીજી વનડે માટે ઓસ્ટ્રેલિયાના સંભવિત પ્લેઈંગ ઈલેવન - 
મિચેલ માર્શ, ડેવિડ વૉર્નર, સ્ટીવ સ્મિથ, માર્નસ લેબુશેન, કેમેરોન ગ્રીન, જોશ ઈંગ્લિસ (વિકેટકીપર), માર્કસ સ્ટોઈનીસ, પેટ કમિન્સ (કેપ્ટન), તનવીર સાંઘા, એડમ ઝમ્પા અને જોશ હેઝલવુડ.


વરસાદના કારણે ધોવાઇ શકે છે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી વનડે- 
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 24 સપ્ટેમ્બરે મેચ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે. સાંજે વરસાદની પણ શક્યતા છે. ઈન્દોરમાં સવારે તોફાન આવવાની પણ શક્યતા છે. સાંજે ગાજવીજની સંભાવના છે અને વરસાદ પણ પડી શકે છે. હવામાન વિભાગનો અંદાજ છે કે મહત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચશે, જે ધીમે ધીમે ઘટીને 24 ડિગ્રી સેલ્સિયસ થશે.


મધ્યપ્રદેશ ક્રિકેટ એસોસિએશનના મીડિયા મેનેજરે મીડિયાને જણાવ્યું કે ભારત-ઓસ્ટ્રેલિયા મેચ પર વરસાદના સંકટના કારણે અમે કેટલીક ખાસ વ્યવસ્થા કરી છે. તેમણે કહ્યું કે વરસાદને જોતા આ સ્ટેડિયમની ડ્રેનેજ સિસ્ટમમાં સુધારો કરવામાં આવ્યો છે. પિચ અને ફિલ્ડને આવરી લેવા માટે નવા કવર પણ ખરીદવામાં આવ્યા છે.