IND vs AUS 2nd ODI Weather Update: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝની બીજી મેચ આવતીકાલે એટલે કે 24 સપ્ટેમ્બરે રવિવારે રમાશે. બંને ટીમો ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં ટકરાશે. મોહાલીમાં પ્રથમ વનડે જીતનાર ટીમ ઈન્ડિયા આ મેચ જીતીને સીરીઝ જીતવા ઈચ્છશે. ઓસ્ટ્રેલિયન ટીમની નજર સીરીઝમાં ટકી રહેવા પર રહેશે. આ મેચ પહેલા એક અપડેટ સામે આવ્યું છે જે ફેન્સને ડરાવે છે.


ખરેખરમાં, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી બીજી વનડે પર સંકટના વાદળો છવાયેલા છે. ઈન્દોરમાં રવિવારે રમાનારી આ મેચ વરસાદથી પ્રભાવિત થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મેચ દરમિયાન ભારે વરસાદની સંભાવના છે. જો કે, મધ્યપ્રદેશ ક્રિકેટ એસોસિએશન (MPCA) એ મેચ દરમિયાન વરસાદને પહોંચી વળવા માટે ખાસ વ્યવસ્થા કરી છે.


વરસાદના કારણે ધોવાઇ શકે છે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી વનડે- 
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 24 સપ્ટેમ્બરે મેચ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે. સાંજે વરસાદની પણ શક્યતા છે. ઈન્દોરમાં સવારે તોફાન આવવાની પણ શક્યતા છે. સાંજે ગાજવીજની સંભાવના છે અને વરસાદ પણ પડી શકે છે. હવામાન વિભાગનો અંદાજ છે કે મહત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચશે, જે ધીમે ધીમે ઘટીને 24 ડિગ્રી સેલ્સિયસ થશે.


મધ્યપ્રદેશ ક્રિકેટ એસોસિએશનના મીડિયા મેનેજરે મીડિયાને જણાવ્યું કે ભારત-ઓસ્ટ્રેલિયા મેચ પર વરસાદના સંકટના કારણે અમે કેટલીક ખાસ વ્યવસ્થા કરી છે. તેમણે કહ્યું કે વરસાદને જોતા આ સ્ટેડિયમની ડ્રેનેજ સિસ્ટમમાં સુધારો કરવામાં આવ્યો છે. પિચ અને ફિલ્ડને આવરી લેવા માટે નવા કવર પણ ખરીદવામાં આવ્યા છે.


 


ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ વનડેમાં ભારતની શાનદાર જીત


મોહાલીના આઈએસ બિન્દ્રા સ્ટેડિયમમાં શનિવારે રમાયેલી ત્રણ મેચની શ્રેણીની પ્રથમ વનડેમાં ભારતે ઓસ્ટ્રેલિયાને પાંચ વિકેટે હરાવ્યું છે. ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ બેટિંગ કરતા ભારતને 277 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ટીમ ઈન્ડિયાએ આઠ બોલ બાકી રહેતા 5 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક પ્રાપ્ત કરી લીધો હતો. ભારત તરફથી પ્રથમ ઈનિંગમાં મોહમ્મદ શમીએ પાંચ વિકેટ ઝડપી હતી. આ પછી બેટિંગમાં શુભમન ગિલે 74 રનની અને ઋતુરાજ ગાયકવાડે 71 રનની ઇનિંગ રમી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 142 રનની ભાગીદારી કરી હતી. આ પછી સૂર્યકુમાર યાદવે 50 રનની ઇનિંગ રમી અને કેએલ રાહુલે 58 રનની અણનમ ઇનિંગ રમી હતી. કેએલ રાહુલે સિક્સર મારીને ટીમને જીત અપાવી હતી. ટીમ ઈન્ડિયાએ 27 વર્ષ બાદ મોહાલીમાં ઓસ્ટ્રેલિયા સામે જીત મેળવી છે.


ગિલ અને ગાયકવાડે 142 રનની ભાગીદારી કરી હતી


ઓસ્ટ્રેલિયાએ આપેલા 277 રનના ટાર્ગેટનો પીછો કરતા ટીમ ઈન્ડિયાને શુભમન ગિલ અને રુતુરાજ ગાયકવાડે શાનદાર શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 142 રનની ભાગીદારી કરી હતી. ગીલે પોતાના હોમ ગ્રાઉન્ડ પર ઓસ્ટ્રેલિયન બોલરોને ધોઈ નાખ્યા હતા. ગિલે માત્ર 63 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી ઝડપી 74 રન બનાવ્યા હતા. તેણે 37 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. જ્યારે ગાયકવાડે 10 ચોગ્ગાની મદદથી 71 રનની શાનદાર ઇનિંગ રમી હતી.


ભારતે 9 રનની અંદર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી


શાનદાર શરૂઆત બાદ ટીમ ઈન્ડિયાનો મિડલ ઓર્ડર થોડો ડગમગાયો હતો. 142 રનમાં પ્રથમ વિકેટ ગુમાવ્યા બાદ ટીમ ઈન્ડિયાએ માત્ર 9 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ભારતે બીજી વિકેટ 148 અને ત્રીજી વિકેટ 151 રન પર ગુમાવી હતી. ગાયકવાડ અને ગિલ બાદ શ્રેયસ અય્યર માત્ર ત્રણ રન બનાવીને આઉટ થયો હતો. આ પછી કેપ્ટન કેએલ રાહુલ અને ઈશાન કિશને કેટલાક આક્રમક શોટ રમ્યા, પરંતુ ઈશાન વધુ સમય સુધી ક્રિઝ પર ટકી શક્યો નહીં. તે 26 બોલમાં બે ચોગ્ગાની મદદથી 18 રન બનાવીને આઉટ થયો હતો. ઈશાનને પેટ કમિન્સે વિકેટ પાછળ કેચ આઉટ કરાવ્યો હતો.


સૂર્યકુમાર અને કેએલ રાહુલે શાનદાર ફિફ્ટી ફટકારી


ચોથી વિકેટ 185 રન પર પડ્યા બાદ સૂર્યકુમાર યાદવે કેપ્ટન કેએલ રાહુલ સાથે મળીને પાંચમી વિકેટ માટે 80 રનની ભાગીદારી કરી હતી. સૂર્ય કુમારે 49 બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 50 રન બનાવ્યા હતા. જોકે, ભારતની જીત પહેલા સૂર્યા સિક્સર મારવાના પ્રયાસમાં આઉટ થઈ ગયો હતો. પરંતુ કેપ્ટન કેએલ રાહુલ એક છેડે ઉભો રહ્યો અને આખરે ટીમને જીત તરફ દોરી ગયો. રાહુલે 63 બોલમાં 4 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 58 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. તેની સાથે જાડેજા ત્રણ રન બનાવીને અણનમ પરત ફર્યો હતો.