Australia South Africa Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં ભારત અને ન્યુઝીલેન્ડની શાનદાર જીત બાદ, બંને ટીમો ગ્રુપ Aમાંથી સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે.  પરંતુ, હજી સુધી એ નક્કી નથી થયું કે સેમીફાઈનલમાં ભારતનો મુકાબલો કોની સાથે થશે. આ અનિશ્ચિતતા વચ્ચે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.


ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ટૂર્નામેન્ટ આ વખતે હાઇબ્રિડ મોડલ પર રમાઈ રહી છે. ટૂર્નામેન્ટની કેટલીક મેચો પાકિસ્તાનના કરાચી, લાહોર અને રાવલપિંડીમાં યોજાઈ રહી છે, જ્યારે ભારતીય ટીમની તમામ મેચો UAEના દુબઈ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલમાં પોતાનું સ્થાન પાક્કું કરી લીધું છે અને તેઓ 4 માર્ચે દુબઈમાં સેમીફાઈનલ મેચ રમશે. પરંતુ, ભારતનો પ્રતિસ્પર્ધી કોણ હશે?  તે હજી નક્કી નથી. સંભાવના છે કે ભારતની સેમી ફાઈનલ મેચ ઓસ્ટ્રેલિયા અથવા દક્ષિણ આફ્રિકામાંથી કોઈ એક ટીમ સાથે થશે.


ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની પ્રથમ સેમિફાઇનલ 4 માર્ચે દુબઈમાં રમાશે, જ્યારે બીજી સેમિફાઇનલ 5 માર્ચે લાહોરમાં રમાશે. ગ્રુપ-એમાંથી ભારત અને ન્યુઝીલેન્ડ અને ગ્રુપ-બીમાંથી ઓસ્ટ્રેલિયા સેમિફાઈનલમાં પહોંચી ગયા છે. દક્ષિણ આફ્રિકા પણ સેમિફાઈનલમાં પહોંચવાની પ્રબળ દાવેદાર છે.  ESPNcricinfo ના એક અહેવાલ મુજબ, ગ્રુપ Bમાંથી ક્વોલિફાય થયેલી બંને ટીમો - એટલે કે ઓસ્ટ્રેલિયા અને સંભવિત રૂપે દક્ષિણ આફ્રિકા - શનિવારે UAE જવા રવાના થશે.


ICC દ્વારા આ નિર્ણય લેવા પાછળનું કારણ એ છે કે ગ્રુપ Bમાંથી જે બે ટીમો સેમીફાઈનલ માટે ક્વોલિફાય થશે, તેઓને દુબઈમાં 4 માર્ચે રમાનારી સેમીફાઈનલ મેચની તૈયારી માટે પૂરતો સમય મળી રહે.  જો કે, દુબઈ પહોંચનારી બે ટીમમાંથી માત્ર એક જ ટીમ ત્યાં રહેશે, અને બીજી ટીમ બીજા દિવસે પાકિસ્તાન પરત ફરશે. ભારતનો મુકાબલો કઈ ટીમ સાથે થશે તે 2 માર્ચ પછી જ સ્પષ્ટ થશે. ભારતીય ટીમ 2 માર્ચે ન્યુઝીલેન્ડ સામે ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ રમશે, જે ગ્રુપ ટોપર કોણ બનશે તે નક્કી કરશે.


ઓસ્ટ્રેલિયાની અફઘાનિસ્તાન સામેની મેચ વરસાદના કારણે રદ થઈ હતી, જેના પગલે બંને ટીમોને એક-એક પોઈન્ટ આપવામાં આવ્યો હતો. આ મેચ બાદ જ ઓસ્ટ્રેલિયન ટીમ સેમિફાઈનલમાં પહોંચી ગઈ હતી અને તેઓ દુબઈ જવા માટે રવાના થઈ ચૂક્યા છે. દક્ષિણ આફ્રિકાની સેમિફાઈનલમાં એન્ટ્રી પણ લગભગ નક્કી છે, તેથી તેઓ પણ ઇંગ્લેન્ડ સામેની મેચ પછી કરાચીથી દુબઈ જવા રવાના થશે. જો દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચમાં કોઈ મોટો ઉલટફેર થાય તો અફઘાનિસ્તાન પણ સેમિફાઈનલમાં સ્થાન મેળવી શકે છે અને તે સ્થિતિમાં તેઓ પણ દુબઈ જવા રવાના થશે.


આમ, ભારત સામે સેમીફાઈનલ મેચ રમવા માટે બે ટીમો દુબઈ પહોંચશે, પરંતુ અંતિમ મેચ તો એક ટીમ જ રમશે.  આ નિર્ણય ખેલાડીઓને મેચ માટે તૈયારી કરવાનો પૂરતો સમય મળી રહે તે માટે લેવામાં આવ્યો છે. ક્રિકેટ ચાહકો હવે એ જાણવા ઉત્સુક છે કે 2 માર્ચ પછી ભારતનો પ્રતિસ્પર્ધી કોણ હશે અને સેમીફાઈનલમાં કયો રોમાંચક મુકાબલો જોવા મળશે.


આ પણ વાંચો....


વરસાદ વિલન બન્યો: ઓસ્ટ્રેલિયા-અફઘાનિસ્તાન મેચ ધોવાઈ, કાંગારૂ ટીમ સેમિફાઇનલમાં ધમાકેદાર એન્ટ્રી