ભારત સામે આવતા મહિને રમાનારી વનડે શ્રેણી માટે ઓસ્ટ્રેલિયન ટીમની જાહેરાત કરવામાં આવી છે. 16 સભ્યોની ટીમની કેપ્ટનશીપ પેટ કમિન્સને સોંપવામાં આવી છે. ઓસ્ટ્રેલિયન ટીમમાં કેટલાક સ્ટાર ખેલાડીઓની વાપસી થઈ છે જેમાં ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલનું નામ પણ સામેલ છે. ઝે રિચર્ડસન અને મિશેલ માર્શ પણ વન-ડે ટીમમાં પરત ફર્યા છે. વનડે શ્રેણી 17 માર્ચથી શરૂ થશે. જોશ હેઝલવુડ ઈજાના કારણે ટીમમાં સ્થાન મેળવી શક્યો નથી.






પસંદગી સમિતિના વડા જ્યોર્જ બેઇલીએ કહ્યું હતું કે 'જોશ માટે આ શ્રેણીનો ભાગ બનવું ખૂબ જ સારું રહ્યું હોત. અમે ઈંગ્લેન્ડમાં ખૂબ જ મહત્વપૂર્ણ શ્રેણી પહેલા રૂઢિચુસ્ત અભિગમ અપનાવ્યો છે, જેમાં તે એક અભિન્ન ભાગ બનવા જઈ રહ્યો છે. એરોન ફિન્ચની નિવૃત્તિ બાદ પેટ કમિન્સને પણ વન-ડે ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવી હતી અને કેપ્ટન તરીકે આ તેની બીજી વનડે શ્રેણી હશે.


વન-ડે શ્રેણી માટે ઓસ્ટ્રેલિયાની ટીમ


પેટ કમિન્સ (કેપ્ટન), સીન એબોટ, એશ્ટન અગર, એલેક્સ કેરી, કેમરૂન ગ્રીન, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ, માર્નસ લાબુશેન, મિચેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, ઝે રિચર્ડસન, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઈનિસ , ડેવિડ વોર્નર, એડમ ઝમ્પા.


મેક્સવેલ-માર્શની વાપસીથી મનોબળ વધશે


મિશેલ માર્શ અને મેક્સવેલ બંને સર્જરી કરાવ્યા બાદ વાપસી કરી રહ્યા છે. મેક્સવેલ આ અઠવાડિયે શેફિલ્ડ શીલ્ડમાં વિક્ટોરિયા માટે રમી રહ્યો છે અને માર્શ આ સપ્તાહના અંતમાં વન-ડે કપમાં વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયા માટે રમે તેવી અપેક્ષા છે. ફાસ્ટ બોલર ઝે રિચર્ડસન  પણ ઈજામાંથી સ્વસ્થ થઈને પાછો ફર્યો છે. 26 વર્ષીય રિચર્ડસન ગયા વર્ષે શ્રીલંકાના પ્રવાસમાં ઓસ્ટ્રેલિયા તરફથી રમ્યો નથી.


ભારત માટે વનડે સીરિઝ સરળ નહી હોય


ઑસ્ટ્રેલિયાએ વનડે શ્રેણી માટે ખૂબ જ મજબૂત ટીમ પસંદ કરી છે, આવી સ્થિતિમાં ટેસ્ટ શ્રેણીની જેમ મેચ ભાગ્યે જ એકતરફી રહી શકે છે. મેક્સવેલ-માર્શ ઉપરાંત સ્ટીવ સ્મિથ, કેમરૂન ગ્રીન, મિશેલ સ્ટાર્ક અને માર્કસ સ્ટોઈનિસ જેવા ખેલાડીઓ પણ ટીમનો ભાગ છે. ભારતીય ટીમે પહેલા જ ODI ટીમની જાહેરાત કરી દીધી હતી.


ઓસ્ટ્રેલિયાનો ભારત પ્રવાસ 2023 (બાકી રહેલી મેચ)



  • ત્રીજી ટેસ્ટ - 1 થી 5 માર્ચ (ઇન્દોર)

  • ચોથી ટેસ્ટ - 9 થી 13 માર્ચ (અમદાવાદ)

  • પ્રથમ ODI - 17 માર્ચ (મુંબઈ)

  • બીજી ODI - માર્ચ 19 (વિશાખાપટ્ટનમ)

  • ત્રીજી ODI - 22 માર્ચ (ચેન્નઈ)