એડિલેડઃ ઓસ્ટ્રેલિયાએ બીજી એશિઝ ટેસ્ટમાં ઇગ્લેન્ડને 275 રનથી હાર આપી હતી. આ સાથે એશિઝ સીરિઝમાં ઓસ્ટ્રેલિયાએ 2-0ની લીડ મેળવી લીધી છે. એડિલેડમાં રમાયેલી ડે-નાઇટ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ઇગ્લેન્ડને જીત માટે 468 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઇગ્લેન્ડની ટીમ ચોથી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાના બોલરો સામે ટકી શકી નહોતી અને પાંચમા દિવસે 192 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. આ અગાઉ ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગ નવ વિકેટના નુકસાન પર 473 રન પર ડિક્લેર કરી હતી જેના જવાબમાં ઇગ્લેન્ડની ટીમ પ્રથમ ઇનિંગમાં 236 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી.
ઓસ્ટ્રેલિયાએ તેમ છતાં ઇગ્લેન્ડને ફોલોઓન ના આપી બેટિંગ કરવા મેદાનમાં ઉતરી હતી. બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાની ટીમ નવ વિકેટના નુકસાન પર 230 રન બનાવી ડિક્લેર કરી હતી. આ સાથે ઇગ્લેન્ડને જીતવા માટે 468 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ઇગ્લેન્ડની ટીમ મેચના ચોથા દિવસના અંતે ચાર વિકેટ ગુમાવી 82 રન કરી શકી હતી. પાંચમા દિવસે ઇગ્લેન્ડનો એક પણ બેટ્સમેન લાંબુ ટકી શક્યો નહોતો.
મેચના અંતિમ દિવસે સ્ટોક્સ ફક્ત 12 રન કરી આઉટ થયો હતો જ્યારે વોક્સ 44 રન બનાવી આઉટ થયો હતો. જોસ બટલરે શાનદાર ઇનિંગ રમીને મેચને ડ્રોમાં ખેંચવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેની ઇનિંગ ટીમને હારથી બચાવી શકી નહોતી. બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર રિચર્ડસને સૌથી વધુ પાંચ વિકેટ ઝડપી હતી. તે સિવાય નાથન લાયન અને મિચેલ સ્ટાર્કે બે-બે વિકેટ ઝડપી હતી. માર્નસ લાબુશેનને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરાયો હતો. તેણે પ્રથમ ઇનિંગમાં 103 અને બીજી ઇનિંગમાં 51 રન બનાવ્યા હતા. ત્રીજી ટેસ્ટ મેચ 26 ડિસેમ્બરના રોજ શરૂ થશે.