Australia vs India, St Lucia Weather: 2024 T20 વર્લ્ડકપમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટક્કર થવાની છે. ઓસ્ટ્રેલિયા માટે આ મેચ કરો યા મરોથી ઓછી નથી. જો કે આ પહેલા ઓસ્ટ્રેલિયન ફેન્સ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ખરેખર, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સેન્ટ લૂસિયામાં મેચ રમાવાની છે અને ગઈકાલ (રવિવાર)થી અહીં વરસાદ પડી રહ્યો છે. મેચ શરૂ થવાના 5 કલાક પહેલા ભારે વરસાદનો વીડિયો સામે આવ્યો છે. હાલમાં પણ આ વરસાદ ચાલુ જ છે.


રવિવારથી સેન્ટ લૂસિયામાંથી વરસાદના વીડિયો સામે આવી રહ્યા છે અને હવે મેચના પાંચ કલાક પહેલા જ ત્યાં જોરદાર વરસાદ પડી રહ્યો છે, જેને જોતા એવું લાગી રહ્યું છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ ટૉસ વગર જ રદ્દ થઈ શકે છે. જો કે જો આ મેચ રદ્દ થશે તો ઓસ્ટ્રેલિયાની સેમિફાઈનલની આશાને મોટો ફટકો પડશે.


જો રદ્દ થઇ ભારત-ઓસ્ટ્રેલિયા મેચ તો...
જો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ વરસાદના કારણે રદ્દ થશે તો ટીમ ઈન્ડિયા સેમિફાઈનલમાં પહોંચી જશે. કાંગારૂઓએ અફઘાનિસ્તાન સામે બાંગ્લાદેશની જીત માટે પ્રાર્થના કરવી પડશે. જો અફઘાનિસ્તાન બાંગ્લાદેશને હરાવશે તો તે સેમિફાઇનલમાં પહોંચી જશે.






સુપર-8માં બે મેચ જીતી ચૂક્યું છે ભારત 
ટીમ ઈન્ડિયાએ સુપર-8માં તેની શરૂઆતની બંને મેચ જીતી છે. ભારતે પ્રથમ મેચ અફઘાનિસ્તાન સામે અને બીજી મેચ બાંગ્લાદેશ સામે જીતી લીધી હતી, ત્યારબાદ તેનું સેમિફાઈનલમાં પહોંચવું લગભગ નિશ્ચિત છે. હવે જો ઓસ્ટ્રેલિયા સામેની મેચ રદ્દ થશે તો બંને ટીમોને એક-એક પોઈન્ટ મળશે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ પાંચ પોઈન્ટ સાથે સેમિફાઈનલમાં પ્રવેશ કરશે.