Australia vs Afghanistan T20 World Cup 2022: એડિલેડમાં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાનને 4 રને હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 169 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ 164 રન જ બનાવી શકી હતી. ઓસ્ટ્રેલિયાના એડમ ઝમ્પા અને જોશ હેઝલવુડે 2-2 વિકેટ ઝડપી હતી. જ્યારે ગ્લેન મેક્સવેલે બેટિંગ કરતા અણનમ અડધી સદી ફટકારી હતી. અફઘાનિસ્તાન તરફથી ગુલાબદિન નાયબે 39 રનની ઇનિંગ રમી હતી. અંતમાં રાશિદ ખાને બેટિંગ કરતા અણનમ 48 રન બનાવ્યા હતા. જો કે તે ટીમને જીત અપાવી શક્યો નહોતો.
ઓસ્ટ્રેલિયાએ આપેલા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી અફઘાનિસ્તાન ટીમ તરફથી રહેમાનુલ્લા ગુરબાઝ અને ઉસ્માન ગની ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન ગુરબાઝે 30 રનની તોફાની ઇનિંગ રમી હતી. તેણે 17 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. ગની 2 રન બનાવીને આઉટ થયો હતો. ઈબ્રાહિમ ઝદરાને 33 બોલમાં 26 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 2 ચોગ્ગા સામેલ હતા. ગુલાબદિન નાયબે 23 બોલમાં 39 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 3 ફોર અને 2 સિક્સ સામેલ હતી.
રાશિદ 48 રન બનાવીને અણનમ રહ્યો
કેપ્ટન મોહમ્મદ નબી કંઈ ખાસ કરી શક્યો નહોતો. તે માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો. નજીબુલ્લા ઝદરાન ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. અંતમાં રાશિદ 48 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેણે જોરદાર બેટિંગ કરી. રાશિદે 23 બોલનો સામનો કરીને 3 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. આ રીતે અફઘાન ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 164 રન જ બનાવી શકી હતી.
જોશ હેઝલવુડે 2 વિકેટ ઝડપી હતી
કાંગારૂ ટીમ તરફથી જોશ હેઝલવુડે 2 વિકેટ ઝડપી હતી. તેણે 4 ઓવરમાં 33 રન આપ્યા હતા. એડમ ઝમ્પાએ ફરી એકવાર શાનદાર બોલિંગ કરી. તેણે 4 ઓવરમાં 22 રન આપીને 2 વિકેટ લીધી હતી. કેન રિચર્ડસને 4 ઓવરમાં 48 રન આપીને 1 વિકેટ લીધી હતી. પેટ કમિન્સે 4 ઓવરમાં 22 રન આપ્યા હતા. જોકે તેને એક પણ વિકેટ મળી ન હતી.
ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 168 રન બનાવ્યા
પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 168 રન બનાવ્યા હતા. આ દરમિયાન ટીમ માટે ગ્લેન મેક્સવેલે શાનદાર ઇનિંગ રમી હતી. તેણે અડધી સદી ફટકારી હતી. મેક્સવેલે 32 બોલમાં અણનમ 54 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે.મિચેલ માર્શે 45 રન બનાવ્યા હતા. તેણે 30 બોલમાં 3 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. ડેવિડ વોર્નર 25 રન અને ગ્રીન 3 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. સ્ટોઇનિસે 21 બોલમાં 25 રન બનાવ્યા હતા.