Aligarh Court on Mitchell Marsh: 2023 ના ICC ODI ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન ભારત દ્વારા કરવામાં આવ્યું હતું. ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટે હરાવી રેકોર્ડ 6મી વખત ODI ક્રિકેટ વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. જીતની ઉજવણી કરતી વખતે ઓસ્ટ્રેલિયન ટીમના ખેલાડી મિચેલ માર્શે વર્લ્ડ કપની ટ્રોફી પર પગ મૂક્યો હતો.
વર્લ્ડકપ ટ્રોફી પર પગ મૂકતા તેનો ફોટો વાયરલ થયા બાદ ભારતીય ખેલાડીઓ સહિત વિશ્વભરના ક્રિકેટ ચાહકો દ્વારા મિશેલ માર્શની ખૂબ ટીકા કરવામાં આવી હતી. વર્લ્ડ કપ ટ્રોફી પર પગ મુકવાને લઈને અલીગઢ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે, કેસની સુનાવણી બાદ કોર્ટે તપાસના આદેશ આપ્યા છે.
અલીગઢ કોર્ટના આ આદેશ બાદ ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર મિચેલ માર્શની મુશ્કેલીઓ વધી શકે છે. ઓલરાઉન્ડર મિશેલ માર્શને IPLમાં લખનૌ સુપરજાયન્ટ્સે 3.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. જો તપાસ બાદ મિશેલ માર્શ દોષિત ઠરશે તો તે વિશ્વની સૌથી પ્રખ્યાત ક્રિકેટ લીગમાંની એક IPLમાં રમવાની તક ગુમાવી શકે છે.
શું છે સમગ્ર મામલો?
હકીકતમાં, વર્ષ 2023માં, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલા ICC ODI વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવીને 6ઠ્ઠી વખત ટાઇટલ જીત્યું હતું. આ જીત બાદ ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરોએ જોરશોરથી ઉજવણી કરી હતી. જીતની ઉજવણી કરતા મિચેલ માર્શ વર્લ્ડ કપ ટ્રોફી પર બન્ને પગ રાખીને બેઠેલો જોવા મળ્યો હતો. આ દરમિયાન તેના હાથમાં દારૂ પણ હતો.
તેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને ભારત સહિત વિશ્વભરના ક્રિકેટરો અને સ્પોર્ટ્સ ચાહકોએ મિશેલ માર્શના આ પગલાની ટીકા કરી હતી અને તેને ટ્રોફીનું અપમાન ગણાવ્યું હતું. આ ઘટનામાં ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર વિરુદ્ધ ઉત્તર પ્રદેશમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
મીડિયામાં છપાયેલા સમાચાર મુજબ મિશેલ માર્શે બાદમાં એક વેબસાઈટ સાથે વાત કરતા આ અંગે સ્પષ્ટતા આપી હતી. જ્યારે મિશેલ માર્શને પૂછવામાં આવ્યું કે શું તે ફરીથી આવું કામ કરશે તો તેણે કહ્યું, જો હું સંપૂર્ણ પ્રમાણિક હોઉં તો કદાચ હા. મિશેલ માર્શે એમ પણ કહ્યું કે તેણે વર્લ્ડ કપ ટ્રોફી પર પગ મૂકીને કોઈ અપમાન કર્યું નથી.
આ પણ વાંચો...