નવી દિલ્હીઃ પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલા ટી20 સીરીઝની બીજી ટી20માં પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમે એક ખાસ મુકામ હાંસલ કર્યુ છે. બાબર આઝમે 56(44) રનની ઇનિંગ રમી, આ દરમિયાન તેને ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને ઓસ્ટ્રેલિયન કેપ્ટનના એક રેકોર્ડની બરાબરી કરી લીધી છે.


બાબર આઝમ ઇંગ્લેન્ડ વિરુદ્ધ 44 બૉલમાં ધમાકેદાર 56 રનની ઇનિંગ રમી હતી, આ સાથે તેને ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાના 1500 રન પણ પુરા કર્યા હતા. ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં સૌથી ઓછી ઇનિંગમાં 1500 રન પુરા કરવા મામલે દુનિયાનો ત્રીજો બેટ્સમેન બની ગયો છે.

આ પહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને ઓસ્ટ્રેલિયન કેપ્ટન એરોન ફિન્ચ આ ઉપલબ્ધિ હાંસલ કરી ચૂક્યા છે. વિરાટ કોહલી અને એરોન ફિન્ચે પણ ટી20માં 1500 રન 39 ઇનિંગમાં પુરા કર્યા હતા., અને બાબર આઝમે પણ આટલી જ ઇનિંગમાં પુરુ કરી લીધા છે.

ઉલ્લેખનીય છે કે, સીરીઝની પ્રથમ ટી20 વરસાદના કારણે પુરી ન હતી થઇ શકી, પરંતુ બીજી ટી20 જીતીને ઇંગ્લેન્ડે પાકિસ્તાન પર 1-0ની લીડ બનાવી લીધી છે. હવે ત્રીજી ટી20 જીતીને પાકિસ્તાન સીરીઝમાં બરાબરી કરી શકે છે. જ્યારે ઇંગ્લેન્ડ જીત મેળવીને ટી20 સીરીઝ કબજે કરવા કમર કસશે.