નવી દિલ્હીઃ ચેન્નાઇ સુપર કિંગ્સનો સ્ટાર ક્રિકેટર અને ધોનીનો સાથીદાર સુરેશ રૈના આ વખતે આઇપીએલની મેચો નહીં રમે, થોડાક દિવસો પહેલા તે આઇપીએલ રમવા માટે યુએઇ પહોંચી ચૂક્યો હતો, અને ક્વૉરન્ટાઇન પણ રહ્યો હતો. પરંતુ બાદમાં સમાચાર આવ્યા કે સુરેશ રૈના પર્સનલ કારણોસર આઇપીએલ છોડીને ભારત પરત ફર્યો છે. જોકે, હવે રૈનાનુ આઇપીએલ છોડવાનુ કારણ સામે આવ્યુ છે.


સુત્રો અનુસાર કહેવાઇ રહ્યુ છે કે યુએઇમાં ચેન્નાઇ સુપર કિંગ્સ અને સુરેશ રૈના વચ્ચે રૂમને લઇને તકરાર થઇ હતી, બાદમાં સમાધાન ના આવતા રૈનાએ આઇપીએલ રમવાનો ઇનકાર કરી દીધો હતો. રૈના જ્યારે ભારત પરત ફર્યો ત્યારે ચેન્નાઇ સુપરકિંગ્સના ટીમ મેનેજમેન્ટે આ પાછળ રેનાની પત્ની અને બાળકોનુ કારણ આગળ ધર્યુ હતુ.



સુત્રો અનુસાર, સીએસકે 21 ઓગસ્ટે દુબઇ પહોંચી હતી, રૈનાને જે હૉટલનો રૂમ આપવામાં આવ્યો હતો, તેનાથી તે ખુશ ન હતો, રૈના કોરોનાને લઇને સ્ટ્રૉન્ગ પ્રૉટોકૉલ ઇચ્છતો હતો, ને તે પ્રકારનો રૂમ માંગી રહ્યો હતો જેવો ધોનીને આપ્યો હતો. ખાસ વાત એ છે કે રૈના જે રૂમમાં ક્વૉરન્ટાઇન હતો તે રૂમ બરાબર ન હતો, બાલકની પણ બરાબર ન હતી. જ્યારે કોરોનાના કારણે સીએસકેના 13 સભ્યો કોરોનાની ઝપેટમાં આવ્યા ત્યારે રૈના ગભરાયો અને તે ત્યાંથી આઇપીએલ છોડીને નીકળી ગયો હતો.

નોંધનીય છે કે, 33 વર્ષના સુરેશ રૈનાએ 15 ઓગસ્ટે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તી લીધી હતી. ત્યાર બાદ તે આઈપીએલ માટે પ્રેક્ટિસ સેશનમાં સામેલ થયા હતા. તે ટીમની સાથે દુબઈ રવાના થયા હતા જ્યાં સીએસકેની ટીમ તાજ હોટલમાં રોકાઈ છે.