PAK vs SL 2022: શ્રીલંકા વિરૂદ્ધ ગાલે ટેસ્ટમાં પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમે(Babar azam ) 119 રનની શાનદાર ઇનિંગ રમી હતી. બાબર આઝમે આ ઈનિંગ દરમિયાન ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 10,000 રન પૂરા કર્યા.  બાબર આઝમે 228 આંતરરાષ્ટ્રીય ઇનિંગ્સમાં આ કારનામું કર્યું હતું. આ સિવાય કેપ્ટન તરીકે આ ખેલાડીની આ 9મી સદી છે. બાબર આઝમે આ મામલે પૂર્વ કેપ્ટન ઈન્ઝમામ ઉલ હકની બરાબરી કરી લીધી છે. બાબર આઝમે સૌથી ઓછી મેચોમાં 10,000 આંતરરાષ્ટ્રીય રન બનાવવાનો એશિયન રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ મામલે તેણે વિરાટ કોહલી અને સુનીલ ગાવસ્કર જેવા ખેલાડીઓને પાછળ છોડી દીધા છે.


કોહલી, ગાવસ્કર જેવા દિગ્ગજોને પાછળ છોડી દીધા


આ પહેલા આ રેકોર્ડ ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીના નામે હતો. કોહલીએ 232 આંતરરાષ્ટ્રીય ઇનિંગ્સમાં આ કારનામું કર્યું હતું. આ સિવાય સુનીલ ગાવસ્કરે 243, જાવેદ મિયાંદાદે 248 અને સૌરવ ગાંગુલીએ 248 આંતરરાષ્ટ્રીય ઇનિંગ્સમાં 10 હજાર રનનો આંકડો પાર કર્યો હતો. બાબર આઝમ જ્યારે ગાલે ટેસ્ટમાં બેટિંગ કરવા આવ્યો ત્યારે પાકિસ્તાનની ટીમ તે સમયે મુશ્કેલ પરિસ્થિતિમાં હતી. પાકિસ્તાનના 6 બેટ્સમેન ડબલ ફિગર પાર કરી શક્યા ન હતા.


બાબર આઝમે 119 રનની ઇનિંગ રમી હતી


શ્રીલંકાએ પ્રથમ દાવમાં 223 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાનની આખી ટીમ 219 રનમાં સમેટાઈ ગઈ હતી. પાકિસ્તાન તરફથી કેપ્ટન બાબર આઝમે 119 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ પહેલા શ્રીલંકા તરફથી દિનેશ ચાંદીમલે સૌથી વધુ 76 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી શાહીન આફ્રિદી સૌથી સફળ બોલર રહ્યો હતો. શાહીન આફ્રિદીએ 58 રનમાં 4 ખેલાડીઓને આઉટ કર્યા હતા.