BAN vs SL Asia Cup 2023: એશિયા કપની પલ્લેકેલમાં રમાયેલી બીજી મેચમાં, શ્રીલંકાએ બાંગ્લાદેશને 5 વિકેટે હરાવ્યું છે. બાંગ્લાદેશની ટીમે પ્રથમ બેટિંગ કરતા માત્ર 164 રન જ બનાવી શકી હતી. જોકે, આ પછી બાંગ્લાદેશે શાનદાર બોલિંગ કરી અને શ્રીલંકાએ માત્ર 43 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી. તે સમયે એવું લાગી રહ્યું હતું કે આ મેચમાં રસાકસી જોવા મળશે. જો કે, આવું બન્યું નહીં. સાદિરા સમરવિક્રમાએ 77 બોલમાં 54 રન અને ચરિથ અસાલંકાએ 92 બોલમાં 62 રન કરીને પોતાની ટીમને જીત તરફ દોરી ગયા હતા. આ રીતે શ્રીલંકાએ 2023ના એશિયા કપની શરૂઆત જીત સાથે કરી હતી.


 






 164 રનમાં આખી ટીમ ઓલઆઉટ


આ મેચમાં શ્રીલંકન ટીમના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને બાંગ્લાદેશની ઇનિંગ્સને 42.4 ઓવરમાં 164ના સ્કોર પર સમેટી દીધી હતી. શ્રીલંકાની બોલિંગમાં મતિશા પથિરાનાએ 4 અને મહેશ તિક્ષ્ણાએ 2 વિકેટ ઝડપી હતી. તો બીજી તરફ બાંગ્લાદેશ તરફથી બેટિંગમાં નજમુલ હુસૈન શાંતોએશિયા કપ 2023એ સૌથી વધુ 89 રનની ઇનિંગ રમી હતી.


બાંગ્લાદેશે તેમની પ્રથમ 3 વિકેટ ઝડપથી ગુમાવી દીધી હતી


બાંગ્લાદેશ ટીમના કેપ્ટન શાકિબ અલ હસને આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ માટે ઇનિંગ્સની શરૂઆત કરવા ઉતરેલા મોહમ્મદ નઇમ અને તંજીદ હસન સારી શરૂઆત કરી શક્યા ન હતા. પોતાની પ્રથમ વનડે રમી રહેલો તંજીદ ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. તો બીજી તરફ, 25ના સ્કોર પર બાંગ્લાદેશની ટીમને બીજો ઝટકો મોહમ્મદ નઇમના રૂપમાં લાગ્યો હતો, જ્યારે 36ના સ્કોર પર ટીમે કેપ્ટન શાકિબ અલ હસનના રૂપમાં ત્રીજી વિકેટ ગુમાવી હતી.


પ્રારંભિક 3 વિકેટ ઝડપથી ગુમાવ્યા બાદ નજમુલ હસન શાંતોએ બાંગ્લાદેશની ઇનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. તૌહિદ હૃદયોય સાથે મળીને શાંતોએ ચોથી વિકેટ માટે 59 રનની ભાગીદારી કરીને સ્કોર 100 રનની નજીક પહોંચાડ્યો હતો. હૃદોય 20 રન બનાવીને શનાકાનો શિકાર બન્યો હતો.


શ્રીલંકાના બોલરોએ કરી કમાલ


મુશ્ફિકુર રહીમે શાંતો સાથે મળીને 95ના સ્કોર પર 4 વિકેટ ગુમાવ્યા બાદ બાંગ્લાદેશની ઇનિંગને આગળ ધપાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે પણ 13ના વ્યક્તિગત સ્કોર સાથે પેવેલિયન પરત ફર્યો હતો. અહીંથી શ્રીલંકાના બોલરોએ પોતાનું દબાણ જાળવી રાખ્યું અને બાંગ્લાદેશની ઇનિંગ્સને સમેટી લેવામાં વધુ સમય લીધો નહોતો. જ્યારે શાંતો 122 બોલમાં 89 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો ત્યારે બાંગ્લાદેશની આખી ટીમ 42.4 ઓવરમાં 164 રન પર જ સિમિત થઈ ગઈ હતી. શ્રીલંકા માટે આ મેચમાં મથિશા પથિરાનાએ 7.4 ઓવરમાં 32 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. મહેશ તિક્ષણાએ 2 જ્યારે ધનંજયા ડી સિલ્વા, વેલેજ અને દાસુન શનાકાએ 1-1 વિકેટ લીધી હતી.


શ્રીલંકાની પ્લેઈંગ ઈલેવન
શનાકા (કેપ્ટન), પથુમ નિસાંકા, કરુણારત્ને, મેન્ડિસ, અસાલંકા, ડી સિલ્વા, સમરવિક્રમા, થીક્ષાણા, વેલ્લાલેજ,  પથિરાના, રાજીથા, 


બાંગ્લાદેશ પ્લેઇંગ ઇલેવન
મોહમ્મદ નઈમ, તંજીદ હસન, નજમુલ હુસૈન શાંતો, તૌહીદ હ્રદોય, શાકિબ અલ હસન (કેપ્ટન), મુશફિકુર રહીમ (વિકેટકીપર), મેહદી હસન મિરાજ, મહેદી હસન, તસ્કીન અહેમદ, શોરફુલ ઈસ્લામ અને મુસ્તફિઝુર રહેમાન.