Bangladesh Premier League:  સાઉથ ઈન્ડિયન ફિલ્મ 'પુષ્પાઃ ધ રાઈઝ'નો ઉમંગ ભારતની સાથે સાથે પાડોશી દેશના લોકો પર પણ છે. હાલ સોશિયલ મીડિયા પર અનેક લોકો ફિલ્મના વીડિયો સાથે નાનો વીડિયો બનાવતા જોવા મળી રહ્યા છે. આ ફિલ્મનો ઉત્સાહ સામાન્ય લોકો સુધી સીમિત નથી રહ્યો, હવે ક્રિકેટરો પણ આ ફિલ્મના ડાયલોગ્સ સાથે પોતાનો શોર્ટ વીડિયો બનાવી રહ્યા છે. આ ઉપરાંત મેદાન પર વિકેટ મેળવ્યા બાદ 'પુષ્પાઃ ધ રાઇઝ'ના ગીત 'શ્રીવલ્લી'માં અપનાવવામાં આવેલા ખાસ ડાન્સ સ્ટેપને અપનાવીને પણ સેલિબ્રેશન કરી રહ્યા છે. ગઈકાલે બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં આવું જ દ્રશ્ય જોવા મળ્યું હતું. કેરેબિયન ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોએ કોમિલા વિક્ટોરિયન્સ સામે વિકેટ મેળવ્યા બાદ 'પુષ્પા વૉક'માં ઉજવણી કરી હતી


30 રનમાં લીધી ત્રણ વિકેટ


મેચમાં સ્ટાર ઓલરાઉન્ડરના પ્રદર્શન વિશે વાત કરીએ તો, તેણે તેની ટીમ ફોર્ચ્યુન બરીશાલ માટે ચાર ઓવર બોલિંગ કરતી વખતે 30 રન આપીને સૌથી વધુ ત્રણ સફળતા મેળવી હતી. કેપ્ટન ઇમરુલ કાયેસ (15), વિકેટ-કીપર બેટ્સમેન માહિદુલ ઈસ્લામ અંકન (08) અને નાહિદુલ ઈસ્લામ (0) વિરોધી ટીમના બેટ્સમેનોમાં સામેલ હતા જેમને તેણે પોતાનો શિકાર બનાવ્યો હતો.




બેટિંગમાં બ્રાવોએ કેવું કર્યુ પ્રદર્શન


ગઈકાલની મેચમાં તેના બેટિંગ પ્રદર્શનની વાત કરીએ તો તે બેટ વડે પોતાની ટીમ માટે કંઈ ખાસ કરવામાં નિષ્ફળ રહ્યો હતો. તેણે ફોર્ચ્યુન માટે પાંચમા નંબરે બેટિંગ કરવા મેદાનમાં ઉતર્યો અને ત્રણ બોલનો સામનો કરવા છતાં ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો. શોહિદુલ ઇસ્લામે બ્રાવોને ઇમરુલ કાયેસના હાથે કેચ કરાવીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.


કોણે કોણે કરી કમેન્ટ


બ્રાવોના આ વીડિયો પર ભારતના પૂર્વ સ્ટાર ઓલરાઉન્ડર સુરેશ રૈના અને ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર ડેવિડ વોર્નરે કોમેન્ટ કરી છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક ઓપનર ડેવિડ વોર્નરે પણ પુષ્પાના ગીત પર ડાંસ કર્યો હતો.