નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે દુનિયાભરમાં ક્રિકેટ સ્થગિત થઇ ચૂકી છે. હવે ફરીથી ટ્રેક પર લાવવા માટે દરેક દેશના ક્રિકેટ બોર્ડ પ્રયત્નો કરી રહ્યાં છે. ત્યારે આ બધાની વચ્ચે ફરીથી કોરોનાનો વધતો કેર ક્રિકેટ પર ભારે પડ્યો છે. કોરોનાના વધતા પ્રકોપના કારણે હવે બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ સીરીઝ પણ રદ્દ કરી દેવામાં આવી છે.


બાંગ્લાદેશની ટીમને આગામી મહિને ત્રણ ટેસ્ટ મેચોની સીરીઝ રમવા શ્રીલંકા જવાનુ હતુ, તે હવે રદ્દ થઇ ગયુ છે. આ પહેલા બાંગ્લાદેશે ન્યૂઝીલેન્ડની સાથે રમાનારી બે ટેસ્ટ મેચોની સીરીઝને પણ રદ્દ કરી દીધી હતી.

આઇસીસીએ બાંગ્લાદેશના શ્રીલંકા પ્રવાસને રદ્દ કરવાની જાણકારી આપી છે. આઇસીસીએ ટ્વીટર હેન્ડલ પર લખ્યું- બાંગ્લાદેશનો આગામી મહિનાનો શ્રીલંકા પ્રવાસ સ્થગિત થઇ ગયો છે. મંગળવારે ન્યૂઝીલેન્ડનો ટેસ્ટ મેચો માટે બાંગ્લાદેશનો પ્રવાસ પણ સ્થગિત કરી દેવામાં આવ્યો છે કેમકે દક્ષિણ એશિયન દેશના ત્રણ ક્રિકેટરો તાજેતરમાં જ આ વાયરસથી સંક્રમિત નીકળ્યા હતા.

ન્યૂઝીલેન્ડને ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ અંતર્ગત બે ટેસ્ટ મેચોની સીરીઝ રમવા માટે બાંગ્લાદેશ જવાનુ હતુ. ગયા અઠવાડિયે બાંગ્લાદેશના પૂર્વ વનડે કેપ્ટન મુર્તજા, નજમુલ ઇસ્લામ અને નફીસ ઇકબાલને કૉવિડ-19 પૉઝિટીવ નીકળ્યા હતા.