નવી દિલ્હીઃ અત્યારે દુનિયામાં કોરોનાના કેર સામે સાવધાની રાખીને રમતો શરૂ થઇ છે, ક્રિકેટમાં પણ નિયમો સાથે મેચે રમાઇ રહી છે, ત્યારે ઇંગ્લિશ કાઉન્ટી કેન્ટના બેટ્સમેન જોર્ડન કોક્સને કૉવિડ-19ના પ્રૉટોકોલ તોડવાના કારણે મેચમાંથી ડ્રૉપ કરી દેવાયો છે. જોર્ડન કોક્સને શનિવારે બૉબલ વિલિસ ટ્રૉફીમાં મિડલસેક્સ વિરુદ્ધ રમાનારી મેચમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.

જોર્ડન કોક્સએ તાજેતરમાંજ સસેક્સ વિરુદ્ધ રમાયેલી મેચમાં બાયો સિક્યૉર અને સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમોનુ ઉલ્લંઘન કરતા એક ફેન સાથે સેલ્ફી પડાવી હતી.

ક્લબની અધિકારીક વેબસાઇટ પર જોર્ડન કોક્સના હવાલાથી લખ્યુ છે કે, હું આ વાતથી દુઃખી છુ કે આ થયુ, હું પુરેપુરો આના પરિણામથી વાકેફ છું, હુ આના માટે બધાની માફી માંગુ છુ. તેને કહ્યું કે, નેક્સ્ટ મેચ ના રમવાનુ મને અફસોસ છે, અને મને લાગે છે કે મે ટીમને હતાશ કરી છે.



આ હરકત કર્યા બાદ હવે જોર્ડન કોક્સને સેલ્ફ આઇસૉલેશનમાંથી પસાર થવુ પડશે, અને વાપસી પહેલા તેના બે કૉવિડ-19 ટેસ્ટ નેગેટિવ આવવા જરૂરી છે.



ખાસ વાત છે કે, સસેક્સ વિરુદ્ધ રમાયેલી મેચમાં જોર્ડન કોક્સે ડબલ સદી ફટકારી હતી, અને કેટલાયે રેકોર્ડ તોડતા અણનમ 238 રન બનાવ્યા હતા. જોર્ડન કોક્સે 570 બૉલમાં પોતાની ઇનિંગમાં 47 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. તેને સસેક્સ વિરુદ્ધ કેન્ટ માટે સર્વોચ્ચ વ્યક્તિગત સ્કૉર બનાવ્યો હતો.