નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રમવાની કથિત રીતે તક ન મળવાને કારણે મુંબઈના એક ક્લબ ક્રિકેટરે આત્મહત્યા કરી લીધી છે. 27 વર્ષના કરણ તિવારીએ સોમવારે રાત્રે મલાડમાં પોતાના ઘરે છત પર પંખાથી લટકીને આત્મહત્યા કરી લીધી,  જેની જાણકારી તેના એક મિત્રએ આપી.


મિડ ડેના અહેવાલ અનુસાર, કરણના મિત્રએ કહ્યું કે, આઈપીએલમાં રમવાની તક ન મળતા તે નિરાશ હતો. જ્યારે પોલીસે કહ્યું કે, આ મામલે એફઆઈઆર દાખલ કરી તપાસ શરૂ કરી દીધી છે.



તિવારી, વાનખેડે સ્ટેડિયમમાં આઈપીએલની કેટલીક ટીમો માટે નેટ પર બોલિંગ કરી ચૂક્યો છે. તે રાજ્યની ટીમમાં જગ્યા બનાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. જોકે, ભારતી ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના નિયમો અનુસાર, જે ખેલાડીએ રાજ્યની ટીમનું પ્રતિનિધિત્વ કર્યો હોય તે આઈપીએલની હજારીમાં સામેલ થઈ શકે છે.

રિપોર્ટ અનુસાર, તિવારીએ આત્મહત્યા કરવાની જાણકારી તેના એક મિત્રને આપી હતી અને મિત્રએ તેની જાણકારી તિવારીની બહેનને આપી હતી. તિવારીની બહેને બાદમાં તેની જાણકારી માતાને આપી. પરંતુ ત્યાં સુધીમાં મોડુ થઈ ગયું હતું અને હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.