BCCI New Domestic Cricket Rules: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે તાજેતરમાં ઘરેલુ ક્રિકેટના નિયમોમાં ફેરફાર કર્યો છે. જો કોઈ ખેલાડી બોલ પર લાળ લગાવે છે તો તેના પર કાર્યવાહી કરવામાં આવશે. વળી રિટાયર્ડ હર્ટ થનાર ખેલાડીને ફરીથી રમવાની તક નહીં મળે. તેને આઉટ માનવામાં આવશે. BCCIએ રણજી ટ્રોફી 2024ની નવી સીઝન પહેલાં આ ફેરફારો કર્યા છે. પરંતુ આ નિયમો માટે પણ શરત રાખવામાં આવી છે.


ક્રિકબઝના એક અહેવાલ મુજબ BCCIએ ખેલાડીઓના રિટાયર્ડ હર્ટ થવા અંગેનો નિયમ બદલ્યો છે. હવે જો કોઈ ખેલાડી ઈજાને કારણે મેદાન છોડે છે તો તેને તરત જ આઉટ માની લેવામાં આવશે. આથી તે ફરીથી બેટિંગ માટે મેદાન પર નહીં આવી શકે. આમાં વિરોધી ટીમની સંમતિનો કોઈ સંબંધ નથી. BCCIએ રાજ્ય ટીમોને પ્રેસ રિલીઝ મોકલી છે. આમાં બધા બદલાયેલા નિયમો વિશે વિગતવાર જણાવવામાં આવ્યું છે.


બોલ પર લાળ લગાવવા પર કાર્યવાહી


કોવિડ 19 મહામારી પછી ક્રિકેટમાં પણ ઘણા ફેરફારો જોવા મળ્યા. ત્યારથી જ ટીમોએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં લાળને લઈને સાવચેતી રાખવાનું શરૂ કરી દીધું હતું. હવે BCCI ઘરેલુ ક્રિકેટમાં કડક નિયમ લાવી છે. જો કોઈ ખેલાડી બોલ પર લાળ લગાવે છે તો તેના પર દંડ લગાવવામાં આવશે. આ સાથે બોલને તરત જ બદલી દેવામાં આવશે.


રન રોકવાના નિયમમાં પણ ફેરફાર


રન રોકવાના નિયમમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. બદલાયેલા નવા નિયમ મુજબ જ્યારે બેટ્સમેન ક્રોસ કર્યા પછી રન રોકવાનો નિર્ણય લે છે અને ઓવરથ્રોથી બાઉન્ડ્રી મળે છે, તેવી સ્થિતિમાં ફરીથી ક્રોસ કરતા પહેલાં માત્ર બાઉન્ડ્રી જ માન્ય ગણાશે. આથી તેને માત્ર ચાર રન જ મળશે.


Cricbuzz દ્વારા ટાંકવામાં આવેલા રિપોર્ટ અનુસાર, આ નિયમ BCCIની તમામ ડોમેસ્ટિક મેચો માટે લાગુ થશે. આ નવો નિયમ તમામ બહુ-દિવસીય મેચો અને તમામ મર્યાદિત ઓવરની મેચો માટે પણ લાગુ થશે. રસપ્રદ વાત એ છે કે, BCCIએ કહ્યું છે કે આ નિયમ સુપર ઓવરની સ્થિતિમાં પણ લાગુ થઈ શકે છે.


આ પણ વાંચોઃ


ભારત ન્યૂઝીલેન્ડની ધમાકેદાર વનડે સીરિઝની જાહેરાત, ટી20 વર્લ્ડ કપનો બદલો લેવા ઉતરશે ટીમ ઇન્ડિયા