પાકિસ્તાન અને શ્રીલંકાની ધરતી પર યોજાનાર એશિયા કપને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ રોજર બિન્ની અને ઉપપ્રમુખ રાજીવ શુક્લા પાકિસ્તાન જશે. રોજર બિન્ની અને રાજીવ શુક્લા એશિયા કપની ઓપનિંગ સેરેમનીમાં ભાગ હશે. આ પહેલને ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ સંબંધિત સંબંધો સુધારવાની પહેલ તરીકે પણ જોઈ શકાય છે. એશિયા કપ 30 ઓગસ્ટથી યોજાવા જઈ રહ્યો છે અને ટૂર્નામેન્ટની પ્રથમ મેચ પાકિસ્તાનમાં રમાશે.
આ વખતે એશિયા કપની યજમાનીનો અધિકાર પાકિસ્તાન પાસે હતો. પરંતુ ભારતે સુરક્ષાના કારણોસર પાકિસ્તાનમાં ટીમ મોકલવાનો ઇનકાર કર્યો હતો. ઘણા વિવાદ બાદ પાકિસ્તાનની સાથે શ્રીલંકામાં ટૂર્નામેન્ટનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એશિયા કપની 5 મેચ પાકિસ્તાનમાં અને 9 શ્રીલંકામાં રમવાની છે. ભારતીય ટીમ તેની તમામ મેચ શ્રીલંકામાં જ રમશે. ફાઈનલ મેચ પણ શ્રીલંકામાં રમાશે.
BCCI પ્રમુખનું પાકિસ્તાન જવુ કેમ મોટો સંકેત ?
ભારત અને પાકિસ્તાન વચ્ચેના કડવા સંબંધોની અસર ક્રિકેટ પર પણ જોવા મળી રહી છે. 2006થી ભારતે પાકિસ્તાનના પ્રવાસે ટીમ મોકલી નથી. પાકિસ્તાનની ટીમ પણ 2012થી ભારત આવી નથી. 2012 થી બંને ટીમો ફક્ત ICC ટૂર્નામેન્ટ અને એશિયા કપમાં જ એકબીજાનો સામનો કરે છે. પરંતુ હવે બીસીસીઆઈ પ્રમુખ રોજર બિન્નીની પાકિસ્તાન મુલાકાત એક મોટો સંકેત છે.
BCCIની આ પહેલને ભારત અને પાકિસ્તાન વચ્ચેના ક્રિકેટ સંબંધોમાં સુધારા તરીકે જોઈ શકાય છે. ICC ચેમ્પિયન્સનું આયોજન 2025માં પાકિસ્તાનમાં થવાનું છે. બીસીસીઆઈની આ પહેલ પછી એવું માની શકાય છે કે ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટનો ભાગ બનવા માટે પાકિસ્તાન જશે. ભારતમાં યોજાનાર વર્લ્ડ કપનો ભાગ બનવા માટે પાકિસ્તાને એવી પણ માંગ કરી છે કે ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી રમવા આવવું પડશે. જો કે હજુ આ અંગે વધુ કહી શકાય તેમ નથી. જો બધુ બરાબર રહ્યું તો આવનારા સમયમાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય શ્રેણી પણ જોવા મળી શકે છે.
યજમાન શ્રીલંકા 31 ઓગસ્ટે બાંગ્લાદેશ (SL vs BAN) સામે ટકરાશે. આ વખતે આ ટૂર્નામેન્ટ હાઇબ્રિડ મોડલ પર રમાશે. પાકિસ્તાનમાં માત્ર 4 મેચ રમાશે, જ્યારે શ્રીલંકામાં ફાઈનલ સહિત કુલ 9 મેચો રમાશે. ટૂર્નામેન્ટની ફાઈનલ 17 સપ્ટેમ્બરે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે.