Secret meeting:ટીમ ઈન્ડિયાએ આગામી 2 મહિનામાં એશિયા કપ અને વર્લ્ડ કપ જેવી બે મોટી ટૂર્નામેન્ટમાં ભાગ લેવાની છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ બે મેગા ઈવેન્ટ પહેલા BCCI સેક્રેટરી જય શાહે અમેરિકામાં હેડ કોચ રાહુલ દ્રવિડ સાથે બે કલાક સુધી બંધ બારણે બેઠક કરી હતી. આ બેઠકનો ઉદેશ શું છે તે સંપૂર્ણપણે સ્પષ્ટ થયું નથી. પરંતુ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, BCCI દ્વારા ભારતીય ટીમ મેનેજમેન્ટને વર્લ્ડ કપને લઈને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે.
ભારતમાં 50 દિવસ બાદ ODI વર્લ્ડ કપ શરૂ થવા જઈ રહ્યો છે. ટીમ ઈન્ડિયાએ છેલ્લે 2011માં ઘરઆંગણે વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યારથી ભારત વર્લ્ડ કપ જીતી શક્યું નથી. આ વખતે ટીમ ઈન્ડિયા પાસેથી મોટી અપેક્ષાઓ છે. બીસીસીઆઈ પણ આઈસીસીના ખિતાબના દુકાળને ખતમ કરવા માટે કોઈ કસર છોડી રહી નથી. બોર્ડ તરફથી ભારતીય ટીમ મેનેજમેન્ટને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે, વર્લ્ડ કપને કોઈ પણ સંજોગોમાં હળવાશથી ન લેવો જોઈએ. BCCI સેક્રેટરી જય શાહ ગત સપ્તાહ અમેરિકા ગયા હતા, જ્યાં તેમણે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ સાથે હોટલમાં 2 કલાક સુધી ગુપ્ત બેઠક કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મીટિંગમાં BCCI સેક્રેટરીએ દ્રવિડને આ બાબતો સ્પષ્ટ કરી હતી.
ક્રિકબઝના અહેવાલ મુજબ, જય શાહ અને રાહુલ દ્રવિડની આ ગુપ્ત મુલાકાત 12 કે 13 ઓગસ્ટે ફ્લોરિડામાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી છેલ્લી બે T20 મેચ પહેલા થઈ હતી. ભારતીય ટીમ મિયામીની મેરિયોટ હોટલમાં રોકાઈ હતી, પરંતુ અંગત મુલાકાતે અમેરિકા પહોંચેલા જય શાહ અન્ય હોટલમાં રોકાયા હતા અને સેક્રેટરીના આમંત્રણ પર દ્રવિડ તેને મળવા ગયો હતો અને બંને વચ્ચે બે કલાક સુધી મુલાકાત થઈ હતી. . આ બેઠકમાં બંને વચ્ચે શું વાતચીત થઈ, આ માહિતી સામે આવી નથી.પરંતુ એ સ્પષ્ટ છે કે આગામી બે મહિનામાં ભારત એશિયા કપ અને વર્લ્ડ કપ જેવી બે મોટી ટૂર્નામેન્ટમાં ભાગ લેવાનું છે, તેથી આ બંને ટૂર્નામેન્ટની તૈયારીઓ અંગે બેઠક દરમિયાન ચર્ચા થવી સ્વાભાવિક છે.
એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં એશિયા કપ અને વર્લ્ડ કપ માટે કોચિંગ સ્ટાફમાં એક સભ્યને ઉમેરવાની વાત થઈ છે. એશિયા કપ પહેલા ટીમ ઈન્ડિયાનો કેમ્પ 24 ઓગસ્ટથી બેંગલુરુના અલુરમાં થવા જઈ રહ્યો છે.
જય શાહ-દ્રવિડની સિક્રેટ મીટિંગ
જય શાહ અને કોચ રાહુલ દ્રવિડની આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે ટીમ ઈન્ડિયા ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. ભારત નબળી વેસ્ટ ઈન્ડિઝ સામે ટી-20 શ્રેણી હારી ગયું. આને લઈને ટીમ ઈન્ડિયાની ઘણી ટીકા થઈ રહી છે. નિષ્ણાતો અને ભૂતપૂર્વ ખેલાડીઓએ ટીમના ખેલાડીઓ, મેચ મેનેજમેન્ટ અને બેટ્સમેનોના પ્રદર્શન પર ચિંતા વ્યક્ત કરી છે. કોચ દ્રવિડ અને કેપ્ટન હાર્દિક પંડ્યાની રણનીતિ પર પણ સવાલો ઉભા થયા છે.