India vs Ireland T20 Series 2023: ભારત અને આયરલેન્ડ વચ્ચે અત્યાર સુધી માત્ર 5 T20 મેચ રમાઈ છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ તમામ પાંચ મેચ જીતી છે. ભારત અને આયરલેન્ડ વચ્ચે પ્રથમ T20 મેચ જૂન 2009માં રમાઈ હતી. ભારતે 8 વિકેટે જીત મેળવી હતી. આ પછી બીજી મેચ જૂન 2018માં રમાઈ હતી. ભારતે 76 રનથી જીત મેળવી હતી. ત્રીજી મેચ પણ જૂન 2018માં રમાઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ 143 રનથી જીત મેળવી હતી. જૂન 2022માં ભારત અને આયરલેન્ડ વચ્ચે બે મેચ પણ રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ એક મેચ 7 વિકેટે અને બીજી 4 રનથી જીતી હતી.
ભારત અને આયરલેન્ડ વચ્ચે રમાયેલી પાંચ ટી-20 મેચમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ દીપક હુડાના નામે છે. તેણે 2 મેચમાં 151 રન બનાવ્યા છે. બીજા નંબર પર ભારતીય કેપ્ટન રોહિત શર્મા છે. રોહિતે 3 મેચમાં 149 રન બનાવ્યા છે. સુરેશ રૈનાએ 3 મેચમાં 79 રન બનાવ્યા છે. તે ત્રીજા નંબર પર છે. સંજુ સેમસન ચોથા નંબર પર છે. તેણે એક મેચમાં 77 રન બનાવ્યા છે.
સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદી પર નજર કરીએ તો યુઝવેન્દ્ર ચહલ ટોપ પર છે. ચહલે 3 મેચમાં 7 વિકેટ લીધી છે. કુલદીપ યાદવે 2 મેચમાં 7 વિકેટ લીધી છે. ઝહીર ખાને 4 વિકેટ લીધી છે. જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા અને ભુવનેશ્વર કુમારે 2-2 વિકેટ લીધી છે.
ઉલ્લેખનીય છે કે, ભારત અને આયરલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટી-20 સીરિઝ ડબલિનમાં રમાશે. જસપ્રિત બુમરાહની કેપ્ટનશીપ હેઠળની ભારતીય ટીમ 18 ઓગસ્ટે પ્રથમ મેચ રમશે. આ પછી બીજી મેચ 20 ઓગસ્ટે અને ત્રીજી મેચ 23 ઓગસ્ટે રમાશે. ભારતે આ શ્રેણી માટે ટીમમાં મોટાભાગના યુવા ખેલાડીઓને સ્થાન આપ્યું છે. રિંકુ સિંહ, તિલક વર્મા, યશસ્વી જયસ્વાલ, શાહબાઝ અહેમદ, શિવમ દુબે અને જીતેશ શર્મા જેવા ઘણા પ્રતિભાશાળી ખેલાડીઓ ટીમનો ભાગ છે.