ભૂતપૂર્વ ભારતીય કેપ્ટનનો જન્મ 24 એપ્રિલ 1973 માં મુંબઇમાં થયો હતો. 24 એપ્રિલ 2020, એટલે કે આજે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરનો 47મો જન્મદિવસ છે, પણ કોરોના મહામારીના કારણે સચિને પોતાનો બર્થડે ઉજવવાના ના પાડી દીધી છે.
બીસીસીઆઇએ પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી સચિનને જન્મદિવસની શુભકામના પાઠવી છે, આ માટે તેમને એક યાદગાર વીડિયો શેર કર્યો છે, જે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની એક ટેસ્ટ મેચનો છે.
બીસીસીઆઇએ 11 વર્ષ પહેલા સચિન દ્વારા ઇંગ્લેન્ડની ટીમ સામે ફટકારવામાં આવેલા એક શતકનો વીડિયો પૉસ્ટ કર્યો છે, આ વીડિયો ચેન્નાઇ ટેસ્ટનો છે, જેમાં ઇંગ્લેન્ડ વિરુદ્દ 387 રનોના લક્ષ્યનો સફળતાપૂર્વક પીછો કરતા સચિને અણનમ 103 રન બનાવ્યા હતા.
24 વર્ષ સુધી સચિન તેંદુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાનો દબદબો જમાવ્યો, સચિને પોતાના સુંદર સ્ટ્રેટ ડ્રાઇવ, શાનદાર કવર ડ્રાઇવ, ચાલાકી ભર્યા અપર કટ અને મજબૂત હુક શૉટથી ફેન્સ અને દર્શકોના દિલ જીતી લીધા છે.
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકર હાલ કૉવિડ-19 મહામારી વિરુદ્ધ ભારતની લડાઇમાં એક આગેવાનની ભૂમિકા નિભાવી રહ્યાં છે. સચિન માને છે કે આ રોગચાળા સામે લડવામાં ફ્રન્ટલાઈન વોરિયર્સ ડોકટરો, નર્સો, તબીબી સહાયકો, પોલીસકર્મીઓ, સૈનિકોનો આભાર વ્યક્ત કરવાનો આ શ્રેષ્ઠ રસ્તો હોઈ શકે છે. અગાઉ પણ સચિને આ રોગચાળા સામે લડવા માટે 50 લાખ રૂપિયાનું દાન આપ્યું હતું.